ઢુવા-લાકડધાર રોડ પર બંધ કારખાનાના પાછળ દારૂના કટીંગ સમયે પોલીસ ત્રાટકી, 240 બોટલ વિદેશી દારૂ જપ્ત….
વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર આવેલ એક બંધ સીરામીક કારખાનાના પાછળ ખુલ્લા પટમાં ઈકો કારમાંથી વિદેશી દારૂના કટીંગ સમયે પોલીસે દરોડો પાડી 240 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય આરોપીઓ સ્થળ પરથી નાસી છુટયા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના નવા ઢુવા ગામથી લાકડધાર ગામ તરફ જતા રોડ પર આવેલ બંધ સ્વીફ્ટ સીરામીકની પાછળના ભાગે ખુલ્લા પટમાં એક ઇકો કાર નંબર GJ 03 MH 4867 માંથી વિદેશી દારૂના કટીંગ સમયે દરોડો પાડતાં બુટલેગરોમાં નાશભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની 240 નંગ વિદેશી દારૂની બોટલ, એક ઈકો કાર, એક મોબાઇલ ફોન, બે મોટરસાયકલ સહિત કુલ રૂ. 4,72,120 ના મુદ્દામાલ સાથે આરોપી મેરાભાઈ હરેશભાઈ ભાટીયા (ઉ.વ.૨૨, રહે. ઉંચી માંડલ તા.જી. મોરબી મૂળ રહે સુરેન્દ્રનગર)ને ઝડપી લીધો હતો.
આ સાથે જ દરોડા દરમ્યાન ૧). ઇકો કારનો ચાલક, ૨). કુલદીપભાઇ ખુમાણભાઇ પઢીયાર (રહે. હાલ-ઘુંટુ, રામકો સોસાયટી તા.જી.મોરબી) અને ૩). પ્રવીણભાઇ કેશુભાઇ પરમાર હાલ (રહે. ઘુંટુ, રામકો સોસાયટી તા.જી. મોરબી) સ્થળ પરથી નાશી જતાં પોલીસે તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી માલ મોકલનાર તથા તપાસમા ખૂલ્લે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….