કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઊઠી છે, જેમાં આજે રાત્રે 8:18 વાગ્યે રિટેલ સ્કેલ પર 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. જેમાં કચ્છના રાપરથી 26 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. ગુજરાતમાં 2001ના ભુકંપ બાદ બીજી વખત ચારથી વધુની તિવ્રતા સાથે ભુકંપનો આંચકો આજરોજ અનુભવાયો છે. આંચકાના પગલે લોકોના ઘરમાં રહેલાં વાસણો ખખડી ઊઠતા લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા…
ઈન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ, ગાંધીનગર ખાતેથી મળતી માહિતી પ્રમાણે, સોમવારે સાંજે 8:18 વાગે કચ્છના રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં હાલ ભૂકંપની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની કે નુકસાનના સમાચાર નથી. કચ્છના રાપર સહિત કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, ત્યારે લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા દેવ દિવાળીના દિવસે ઉત્તર ગુજરાતમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું…