સુપ્રીમ કોર્ટે બિલકીસબાનુ ગૅંગરેપ કેસમાં દોષિત સાબિત થયા બાદ જનમટીપની સજા ભોગવી રહેલા કેદીઓની સજા માફી કરીને તેમને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને આજે રદ કર્યો છે. જેમાં કોર્ટે બિલકીસબાનોની અરજીને સુનાવણી માટે યોગ્ય ગણી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું છે કે દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય કરવાનો અધિકાર ગુજરાત સરકાર પાસે નહીં, મહારાષ્ટ્ર સરકાર પાસે હતો…
બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. SCએ કહ્યું, મહિલા સન્માનની હકદાર છે. ગુજરાત સરકારને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. તે ગુનેગારોની સજા કેવી રીતે માફ કરી શકે ? જો સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ છે, તો ત્યાંની રાજ્ય સરકારને તેના પર સંપૂર્ણ અધિકાર છે. કારણ કે જે રાજ્યમાં કોઈ ગુનેગાર પર કેસ ચલાવવામાં આવે છે અને સજા થાય છે, માત્ર તેને જ ગુનેગારોની માફીની અરજી પર નિર્ણય લેવાનો અધિકાર છે.
બિલકિસે સુપ્રીમ કોર્ટમાં બંને અરજીઓ પર વહેલીતકે સુનાવણીની માંગ કરી હતી. આ કેસના તમામ 11 દોષિતોને 15 ઓગસ્ટ 2022ના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે મુક્ત કરવામાં આવ્યા હતા. બિલકિસ બાનો કેસની સુપ્રીમમાં સુનાવણી કરી હતી. બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોની સમય પહેલા મુક્ત કરવા મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. બેન્ચે તેનો નિર્ણય 12 ઓક્ટોબર 2023 માટે અનામત રાખ્યો હતો.
બિલકિસ બાનોએ 30 નવેમ્બર 2022ના રોજ 11 ગેંગરેપ દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરી હતી. 11 દોષિતોની મુક્તિને પડકારતી પ્રથમ અરજીમાં તેમને તાત્કાલિક જેલમાં ધકેલવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જ બીજી અરજીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મે મહિનામાં આપેલા આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં કોર્ટે કહ્યું હતું કે ગુનેગારોને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર લેશે. બિલકીસે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રમાં કેસની સુનાવણી ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકાર કેવી રીતે નિર્ણય લઈ શકે છે ?
2002માં બિલકિસ બાનો સાથે શું થયુ હતું ?
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી હતી. આ ઘટનામાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 ભક્તોના મોત થયા હતા. આ ઘટનાને પગલે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણોની આગ 3 માર્ચ 2002ના રોજ બિલ્કીસના પરિવાર સુધી પહોંચી હતી. તે સમયે 21 વર્ષની બિલકિસના પરિવારમાં બિલકિસ, તેની પુત્રી સહિત 15 અન્ય સભ્યો પણ હતા. ચાર્જશીટ મુજબ બિલકિસના પરિવાર પર ધારદાર હથિયારો વડે 20 થી 30 લોકોએ હુમલો કરી દીધો હતો. જેના દોષિ ઠેરવેલા 11 લોકોનો પણ સમાવેશ થાય છે. તોફાનીઓએ બિલ્કીસ, તેની માતા અને પરિવારની અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો. તે બધાને નિર્દયતાથી માર્યા, હુમલામાં પરિવારના 17 સભ્યોમાંથી સાતના મોત થયા હતા. છ ગુમ થયા હતા. માત્ર ત્રણ જ લોકો બચી શક્યા હતા. જેમાં બિલકીસ, તેના પરિવારનો એક વ્યક્તિ અને ત્રણ વર્ષના બાળક સમાવેશ થાય છે.
આ ઘટના સમયે બિલ્કીસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. તોફાનીઓની બર્બરતા બાદ બિલ્કીસ લગભગ ત્રણ કલાક સુધી બેભાન રહી હતી. આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા. તેમના પરિવારજનોના મૃતદેહો પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા. બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઇને સોંપ્યા બાદ 2004માં કેસમાં પ્રથમ ધરપકડ કરાઈ હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી. ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી. 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે ગૅંગરેપ અને બિલકીસબાનોના સાત પરિવારજનોની હત્યાના આરોપમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. જે સજા બૉમ્બે હાઈકોર્ટે સજાને યથાવત્ રાખી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD