જનઆરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા : કારખાનાઓ દ્વારા કેમિકલ યુક્ત દુષિત પાણી બનૈયો નદીમાં છોડાતા પાણી મચ્છુ 1 ડેમ સુધી પહોંચતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ….
વાંકાનેર પંથકની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમની ઉપરવાસમાં આવેલ બામણબોર જીઆઇડીસી વિસ્તારમા આવેલા કારખાનાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત દૂષિત પાણી ટેન્કર મારફતે બનૈયો નદીમાં ઠાલવવામાં આવી રહ્યું હોય, જે પાણી મચ્છુ 1 ડેમ સુધી પહોંચતા ડેમનું પિવા લાયક પાણી પણ ઝેરી દુષિત થઈ રહ્યું છે. આ સાથે જ બનૈયો નદીમાંથી વર્ષોથી સિંચાઈ માટે પાણી લેતા ખેડૂતોનો ખેત પાક પણ વર્તમાન વર્ષમાં દુષિત ઝેરી પાણીના કારણે નષ્ટ થતાં આ મામલે સ્થાનિક ખેડૂતો અને આગેવાનો દ્વારા જીલ્લા ખેતીવાડી અધિકારી તેમજ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે….
બાબતે વસુંધરા ગામના ખેડૂતો આગેવાન પરબતભાઈ ડાંગર તથા ગ્રામ પંચાયતના સરપંચ ધીરુભાઈ ડાંગર દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને તંત્રને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમની ઉપરવાસમાં આવેલ બામણબોર જીઆઇડીસી વિસ્તારમાંથી કારખાનેદારો દ્વારા ગેરકાયદેસર રીતે ટેન્કર મારફતે ડેમની ઉપરવાસમાં આવેલ બનૈયો નદીમાં કારખાનાઓનું કેમિકલ યુક્ત દુષિત ઝેરી પાણી છોડવામાં આવતું હોય, જે પાણી વસુંધરા, જાલસીકા સહિત આજુબાજુના ખેડૂતો ઘઉં, જીરૂ, મકાઇ સહિતના પાકોમાં સિંચાઈ માટે ઉપયોગમાં લેતા હોય,
ત્યારે આ દુષિત પાણીના કારણે મોટાભાગના ખેડૂતોનો ખેત પાક નષ્ટ થઇ ગયો છે, તેમજ આ દુષિત પાણી આગળ જતા મચ્છુ 1 ડેમમાં પણ ભળતું હોય, ત્યારે મચ્છુ એક ડેમમાંથી વાંકાનેર શહેર, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો, કુવાડવા તથા બામણબોર જુથ યોજના તેમજ હિરાસર એરપોર્ટ ખાતે પિવા માટે ઉપયોગમાં થતું હોય, ત્યારે આ કેમિકલ યુક્ત દૂષિત ઝેરી પાણીના કારણે ડેમનું પાણી પિવા લાયક ન રહે તે પૂર્વે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા કારખાનેદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે…