વાંકાનેર નગરપાલિકાની બે મિનિટની સાધારણ સભા મામલે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના સદસ્યો દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ ૨૫૮ હેઠળ પ્રાદેશિક કમિશનરને રજૂઆતો કરવામાં આવી હોય, જે અનુસંધાને પાલિકાના સત્તાધીશોને નોટિસ બાદ આ કેસમાં પ્રથમ મુદ્દતમાં નગરપાલિકા તરફથી ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા દ્વારા લેખિત તથા મૌખિક જવાબો રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે સામાપક્ષે વિરોધપક્ષના નગરપાલિકાના સદસ્યો જાગૃતિબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, કુલસુમબેન તરિયા, જલ્પાબેન સુરેલા, અશરફભાઈ ચૌહાણ તથા વિરોધપક્ષના નેતા મહંમદભાઈ રાઠોડ દ્વારા દ્વારા પાલિકાના અણઘડ વહીવટો સામે આક્રમક રજૂઆતો કરવામાં આવી હતી….
વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભા બજેટ બેઠક હોઈ, તેના એજન્ડાના મુદ્દા નં. ૪ માં ફેક્સ મશીન સર્વિસ કરાવવા, ફેક્સ રોલ ખરીદવાના ખર્ચ તથા બહારથી ઈ-મેઇલ કરાવવાના ખર્ચ મંજૂર કરવામાં આવ્યા છે, ત્યારે આજના આધુનિક સમયમાં ફેક્સ મશીનો આઉટડેટેડ થઈ ચૂક્યા છે તથા ઈ-મેઈલ કરવાનો ખર્ચ થતો નથી. તેમજ નગરપાલિકા દ્વારા વાંકાનેર શહેરના પ્રશ્નો બાબતે રજૂઆત ન કરવા દેવાતા અને ફક્ત બે મીનિટમાં સાધારણ સભા પુરી કરી દેવાતા, આ મુદ્દાઓ સાથે પ્રાદેશિક કમીશ્નર સમક્ષ વિપક્ષ દ્વારા કેસ નં. ૦૯/૨૦૨૫ દાખલ કરવામાં આવ્યો છે…
ઉપરાંત વિરોધપક્ષ કોંગ્રેસના વાંકાનેર નગરપાલિકાના સદસ્યો દ્વારા પ્રાદેશિક કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે કે, નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા તેમના લોકપ્રશ્નોની રજૂઆત બાબતે કિન્નાખોરી ભર્યું વર્તન દાખવીને તે પ્રશ્નોએ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે વાંકાનેરના નાગરિકોના કાર્યો થતા નથી.
વાંકાનેરમાં લાંબા સમયથી અનિયમિત, દૂષિત અને દુર્ગંધયુક્ત પિવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસરની ભીતિ ઉભી થઈ છે. વાંકાનેરમાં આગ લાગે ત્યારે ફાયર ફાઈટરની સુવિધા નથી, શહેરમાં ઘણા સ્થળોએ ભૂગર્ભ ગટર ઉભરાતી હોઈ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે, જેની રજુઆતો છતાં કાર્યવાહી થતી નથી. વાંકાનેરના હાર્દ સમા વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ ચોક સુધીનો અતિબિસ્માર રસ્તો બનાવાતો નથી. રાજકોટ રોડથી પતાળીયા વોંકળા સુધી આજ દિવસ સુધી સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી નથી. વારંવારની રજૂઆતો નો પણ અમલ થતો નથી.
કોંગ્રેસના સદસ્યો દ્વારા રજુઆતો વેળા પ્રજાના પ્રશ્નો રૂબરૂ આવીને નગરપાલિકા કચેરી ખાતે લેખિતમાં જ રજુઆત કરવાનો કર્મચારીઓ આગ્રહ રાખે છે, સદસ્યોના ફોન કર્મચારીઓ ઉપાડતા નથી. આ રજુઆતો પ્રાદેશિક કમિશનર સમક્ષ કરવામાં આવી છે. તદ ઉપરાંત વાંકાનેર શહેર નજીકના ઓજી વિસ્તાર એટલે કે સિટી તલાટી હેઠળ આવતા રેવેન્યૂ બિનખેતી રહેણાંક સોસાયટીઓમાં પાણી, ભૂગર્ભ ગટર, સાફ-સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રોડ-રસ્તા સહિતની પાયાની સુવિધાઓ પુરી પાડવાની જવાબદારી નગરપાલિકાની છે. વાંકાનેર શહેર નજીક આવી આશરે 26થી વધારે સોસાયટીઓ છે, પરંતુ નગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી. છેલ્લા એક મહિનાથી ગુલાબનગર અને આશિયાના સોસાયટીનું પાણી નગરપાલિકા દ્વારા બંધ કરી દેવાતા, કોંગ્રેસની રજૂઆત બાદ પસંદ દિવસથી ગુલાબનગર ખાતે પ્રાંત અધિકારી દ્વારા ટેન્કર મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સદસ્યોએ આ વિસ્તારને વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં સમાવવા સરકાર સમક્ષ માંગણી કરેલ છે. જેથી આ વિસ્તારના નાગરિકોને પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર, સાફ-સફાઈ સહિતની પાયાની સુવિધાઓ મળી રહે…