વાંકાનેર તાલુકાના ધમલપર ગામે રહેતા ભરવાડ પરિવારના યુવકે રાજકોટની યુવતીના પિતાને 15 લાખ રૂપિયા આપવાની શરતે મૈત્રીકરાર કર્યા હોય, જેમાં પૈસાની લેતીદેતી મામલે ઝઘડો થતા યુવતીના બે ભાઈ તેમજ અન્ય લોકોએ ધમલપર ખાતે આવી યુવાન પર હુમલો કરી યુવતીનું અપહરણ કરી લઇ જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ધમલપર ગામની સીમમાં વાડીએ રહેતા મનોજભાઈ હીરાભાઈ સરૈયા (ઉ.વ. 24) નામના યુવાને વાંકાનેર પોલીસમાં આરોપી ૧). ગોપાલભાઈ ભુપતભાઇ બાંભવા, ૨). વિજયભાઈ ભુપતભાઇ બાંભવા (બન્ને રહે.રાજકોટ) તેમજ ૩). જગાભાઈ કાટોળીયા (રહે.ઉંચી માંડલ) તેમજ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી ગોપાલ અને વિજયની બહેન કિંજલ સાથે ફરિયાદીને 15 લાખ ચુકવવાની શરતે મૈત્રી કરાર કર્યા હોય, જેમાં ગત તા.24ના રોજ આરોપીઓએ રાત્રીના ધમલપર વાડીએ આવી પૈસાની ઉઘરાણી કરી ઝઘડો કર્યો હતો…
આ બનાવમાં કિંજલના અગાઉ લગ્ન થઈ ગયા હોય, પરંતુ તેણીનો પતિ દારૂ પી હેરાન કરતો હોય કિંજલ સાથે મૈત્રી કરાર કર્યા હતા અને છૂટાછેડા થાય ત્યારે બાદ લગ્ન કરવા અને પૈસા આપવા નક્કી કરાયું હતું, છતાં આરોપીઓએ ફરિયાદી પાસે પૈસા માટે ઉઘરાણી કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી મનોજભાઈના માતાપિતા તેમજ અન્ય લોકોને ઇજાઓ પહોંચતા અમદાવાદ તેમજ રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું તેમજ આરોપીઓ ફરિયાદીની પત્ની કિંજલનું અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવમાં ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…