વાંકાનેર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણી બાદ પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી આગામી બુધવારે કરવામાં આવનાર હોય, જેના માટે નગરપાલિકામાં ચુંટાયેલા વિપક્ષના છ સભ્યો દ્વારા આ ચુંટણી ગુપ્ત મતદાન અથવા બેલેટ પેપરથી કરાવવા માંગ કરવામાં આવી છે, જેનાથી ફરી વાંકાનેરના રાજકારણમાં ગરમાવા સાથે નવાજુનીના એંધાણ વર્તાઇ રહ્યા છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા વિપક્ષના સભ્યો પૈકી જાગૃતિબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, કુલસુમ તરીયા, અશરફ ચૌહાણ, મહંમદભાઈ રાઠોડ અને જલ્પાબેન સુરેલા દ્વારા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, આગામી બુધવારના રોજ વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ગુજરાત મ્યુનિસિપાલ્ટીઝ એક્ટ 1963 અને તેના સુધારાઓ પ્રમાણે ગુપ્ત મતદાન પ્રક્રિયાથી કરાવવામાં આવે…
જાહેરમાં મતદાન કરતા અમોને ડર લાગે છે કે મતદાર તરીકેનો અમારો નિર્ણય જાહેર થતા અમને અને અમારા પરિવારને શારીરિક કે અન્ય નુકસાન પહોંચી શકે છે. માટે આ ચૂંટણી ગુપ્ત મતદાન પક્રિયાથી કરાવવામાં આવે. ચૂંટણી સમયે ચૂંટણીપંચ દ્વારા અધિકૃત અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સિવાય કોઈપણ વ્યક્તિ આ ચૂંટણી પરિસરમાં પ્રવેશ ન કરે તેવી પણ માગ કરાઈ છે. સાથે જ સમગ્ર ચૂંટણી પક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવાની પણ માંગણી કરાઈ છે….