પતિ-પત્નીના પારીવારીક ઝઘડામાં જાહેરમાં ગાળો બોલવાની ના પાડતાં પાડોશીની પત્નીના પિયર વાળાઓ પરિવાર પર છરી-તલવાર-ધોકા વડે તુટી પડ્યા, ચાર ઇજાગ્રસ્ત….
વાંકાનેર તાલુકાના તિથવા ગામે ભાઈના મકાનમાં ભાડે રહેતા યુવાન સાથે તેની પત્નીના પિયર ગોંડલથી આવેલા ત્રણ મહિલા સહિતના શખ્સો પારિવારિક ઝઘડામાં ગાળાગાળી કરતા હોય, જેને પાડોશમાં રહેતા રીક્ષા ચાલક યુવાને ગાળો બોલવાની ના પાડતા આ તમામ શખ્સો મોડી રાત્રે ફરી યુવાનના ઘેર આવી ઝઘડો કરી, છરી-તલવાર-ધોકા વડે યુવાન અને તેના પરિવારજનો પર હુમલો કરી ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા કુલ છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામે રહેતા ફરિયાદી આરીફભાઈ દિલાવરશા શાહમદાર (ઉ.વ. 24) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). માહિરભાઈ, ૨). નસીમબેન, ૩). કરિશ્માબેન, ૪). સુનેહરાબેન અને ૫). અયુબ ગામેતી અને ૬). અજાણ્યા ઇસમો (રહે. બધા ગોંડલ) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની બાજુમાં જ તેના ભાઈના ઘરમાં રહેતા પાડોશી વસીમશા અકબરશા સાથે તેની પત્નીના પિયર ગોંડલથી આવેલા આરોપીઓ ગાળાગાળી કરતા હોય, જેને ફરિયાદી આરીફશાએ ગાળો બોલવાની ના પાડતાં
ગત તા. ૧ ની મોડીરાત્રીના આ તમામ આરોપીઓ ફરિયાદીના ઘરે થાર, ઇકો અને બાઇકમાં આવી તારો પાડોશી વસીમશા તથા મહમદશા ક્યાં છે ? તે એને ક્યાં સંતાડી રાખ્યો છે ? તેમ પૂછી તલવાર-છરી-ધોકા વડે ફરિયાદી તથા તેના પરીવારજનો પર હુમલો કરી ફરિયાદી, તેની બહેન સાહીનબેન, બનેવી સાહીલભાઈ, કાકી નસીમબેનને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. જેથી આ બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૧), ૫૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે….