વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમ જમીન સર્વે નં. ૩૪૯ પૈકીના ખરાબાની જમીન અંગે રાજાવડલાના ખાતેદાર વડાવીયા મીરાજીભાઈ ફતેહભાઈ અને તેમના વારસદારોએ જમીન સર્વે નં. ૩૪૯ એ. ૧-૧૨ ગુઠા તથા સર્વે નં.૧-૦૯ ગુઠા મળી કુલ જમીન એ.૨-૨૧ ગુઠા તથા રાજાવડલાના ખાતેદાર કડીવાર વલીભાઈ આહમદભાઈના વારસદારોએ રાજાવડલાની જમીન સર્વે નં. ૩૪૯ એ.૨-૨૧ ગુઠાની જમીન રાજાશાહીના વખતથી સને ૧૯૪૩ની સાલમા સ્ટેટ દ્વારા બહાર પાડવામા આવેલ પરીપત્ર મુજબ આ જમીનો ખેડેલ હોય આ જમીન પોતાની માલીકીની છે.
તેવુ નકકી કરાવવા મામલતદારશ્રી વાંકાનેર સમક્ષ સને ૧૯૮૧ની સાલમા માંગણી કરેલી અને તે વખતે સદરહુ બંને ખાતેદારોની જમીનો અન્વયે મામલતદારશ્રી વાંકાનેરે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ-૩૭(૨) અન્વયે સદરહુ જમીન ખાનગી માલીકીની છે કે કેમ ? અથવા તો સરકારની માલીકીની છે કે કેમ ? તે નકકી કરવા માટે ઈન્કવાયરી સને ૧૯૮૧ની સાલામા શરૂ કરી અને જે તે વખતના પક્ષકારોની જુબાનીઓ લઈ અને સરકારી કર્મચારીઓની જુબાની લઈ સદરહુ બંને ખાતેદારોની ખેતીની જમીન સરકારની માલીકીની છે તેવુ ઠરાવી ખાતેદારોની વિરૂધ્ધમા હુકમ કરેલ, જેની સામે ઉતરોતર અપીલો પ્રાંત અધીકારી તથા જીલ્લા કલેકટર અને રેવન્યુ ટ્રીબ્યુનલ સમક્ષ કરવામા આવેલી જે તમામ કામે સદરહુ જમીન સરકારની માલીકીની છે તેવુ ઠરાવીને ખાતેદારોની વિરૂધ્ધમા હુકમો કરવામા આવેલા, જે બાદ આ હુકમોની વિરૂદ્ધમાં અરજદારોએ વાંકાનેરના એડવોકેટ એમ. એફ. બ્લોચ થકી વાંકાનેરના પ્રિન્સીપલ સીવીલ જજની કોર્ટમાં દાવા દાખલ કરવામાં આવેલા હોય, જેમાં નામદાર કોર્ટ દ્વારા વકીલની દલીલો ઘ્યાને લીધેલી અને સદરહુ દાવો મંજુર કરીને દાવાવાળી જમીનો ખાનગી માલીકીની એટલે કે વાદીની માલીકીની છે,
તેવું ઠરાવી આ જમીનો વાદીઓ પાસેથી લેવી નહીં કે કબજો ભોગવટો લેવો નહી તેવો સરકારની વિરૂધ્ધ હુકમ કરેલ છે. અને દાવાવાળી જમીનો સરકારની માલીકીની હોવાનું સરકારે સાબીત કરેલ ન હોય ત્યારે આ જમીનો રેવન્યુ રેકર્ડમાં પણ વાદીના નામે નોંધ કરી આપવી તેવો હુકમ કરેલ છે. અને સદરહુ જમીન સંબંધમાં મામલતદારશ્રી, પ્રાંત અધીકારીશ્રી, જીલ્લા કલેકટરશ્રી તથા રેવન્યુ ટ્રીબ્યુનલ અમદાવાદ એમ તમામે કરેલા હુકમો રદ કરેલ છે. અને દાવાવાળી જમીન વાદીની માલીકીની છે, તેવુ ઠરાવીને સદરહુ વાદીના બંને દાવાઓ મંજુર કરેલ છે. આ કામમાં વાદી તરફે વાંકાનેરના એડવોકેટ એમ. એફ. બ્લોચ તથા સાહીલ એમ.બ્લોચ રોકાયેલ હતા….