વાંકાનેર તાલુકાના મહીકા પંથકમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આજે રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હોવાની અફવા આજે વહેલી સવારથી ફેલાઈ રહી છે, જેમાં બાબતે ચક્રવાત ન્યુઝ દ્વારા ઘટનાની તપાસ કરાતા ખરેખર આ વિસ્તારમાં કોઈ ભુકંપ આવ્યો ન હોય અને આ વિસ્તારમાં આવેલ એક કારખાનામાં રાત્રીના વિસ્ફોટ થવાના કારણે ધ્રુજારી ઉત્પન્ન થઈ હોવાનો ખુલાસો થયો હતો…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજે વહેલી સવારથી વાંકાનેર તાલુકાના મહિકા, ગારીડા, સમઢીયાળા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો, જેથી આ બાબતે ચક્રવાત ન્યુઝ અને ટીમ દ્વારા ઘટનાની તલસ્પર્શી તપાસ કરતાં ખરેખર આ વિસ્તારમાં કોઈ ભુકંપ ન આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. જેમાં સમઢિયાળા રોડ પર ગારીડા ગામની સીમમાં આવેલ સનસાઇઝ મેટલ નામના કારખાનામાં રાત્રીના ત્રણ વાગ્યે લોખંડ પીગાળવાની ભઠ્ઠીમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હોય,
જેના કારણે આ વિસ્તારમાં જમીન પર ધ્રુજારી ઉત્પન્ન થયા નો ખુલાસો થયો છે. આ સાથે જ કારખાનામાં બ્લાસ્ટ થવાથી બે કરતા વધારે કર્મચારીઓને ઈજાઓ પહોંચી હોવાની પણ માહિતી સામે આવી છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ આ વિસ્તારના કોઈપણ નાગરીકોએ ભુકંપની અફવા માં આવી ગભરાવવાની કોઈ જરૂર ન હોવાની અપીલ ચક્રવાત ન્યુઝ દ્વારા કરવામાં આવે છે….