વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ચાલતા ફાયર ક્લે ખનીજના ખનન પર મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે આકસ્મીક દરોડો પાડી ખનીજચોરી કરતા બે એક્સકેવેટર મશીનો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે સ્થાનિક ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે….


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર પંથકમાં ગેરકાયદેસર ખનન અંગેની ફરિયાદો મોરબી કલેક્ટરને મળતા કલેક્ટરના કડક આદેશ બાદ જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી જગદીશ એસ. વાઢેરના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે વાંકાનેરના સમથેરવા ગામની સીમમાં દરોડો પાડી સ્થળ પરથી ‘ફાયર ક્લે’ ખનીજનું બિનઅધિકૃત રીતે ખોદકામ કરતા 80 લાખ કિંમતના બે એક્સકેવેટર મશીનો ઝડપાઈ ગયા હતા.

ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી કોમાત્સુ કંપનીનું પીળા રંગનું એક્સકેવેટર જેના માલિક કુલદીપસિંહ દિલીપસિંહ જાડેજા, (રહે. ત્રાજપર, મોરબી) અને બીજું સેની કંપનીનું એક્સકેવેટર જેના માલિક પ્રવીણભાઈ શેલાભાઈ ફાંગલીયા (રહે. મોરથળા, થાન, સુરેન્દ્રનગર) એમ આ બંને મશીનોને સીઝ કરીને વધુ તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે….

અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ વ્યાપક બની છે. ખનીજ માફિયાઓ દ્વારા બેરોકટોક ખનન કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો દ્વારા બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરવાને કારણે ભૂતકાળમાં અનેક જીવલેણ અકસ્માતો પણ સર્જાયા છે, જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે બેફામ ચાલતી આ ખનીજચોરીને અટકાવવી ખુબ અનિવાર્ય બની ગઇ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



