વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દિપડાએ ફરી ધામા નાંખ્યા હોવાનો ઘાટ સર્જાયો છે, જેમાં અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાઓ આંટાફેરા તથા પશુના મારણ કરતા હોવાથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગતરાત્રીના વાંકાનેરના તાલુકાના ખીજડીયા ગામની સીમમાં એક મહાકાય દિપડો ચડી આવ્યો હતો અને ખેડૂતની વાડીમાં બાંધેલ એક વાછરડાનું મારણ કર્યું હતું…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની સિબોસીયા સીમમાં આવેલ લીલાભાઇ સયાભાઈ મુંધવા નામના ખેડૂતની વાડીમાં ગતરાત્રીના આઠ વાગ્યાની આસપાસ એક દિપડો ચડી આવ્યો હતો, જેને વાડીમાં બાંધેલ એક વાછરડાનું મારણ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ખેડૂત જાગી જતાં દિપડો ભાગી ગયો હતો, જે બાદ મોડીરાત્રીના ફરી આ દિપડો વાડીમાં ચડી આવી આજ વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી….
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ખેડૂતો શિયાળું પાકમાં પિયત માટે રાત્રીના પાણી વાળવા જતાં હોય, ત્યારે જ આ વિસ્તારમાં દિપડાના આંટાફેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે દીપડાનો ત્રાસ દૂર ન થાય ત્યાં સુધી પીજીવીસીએલ દ્વારા આ વિસ્તારમાં ખેડૂતોને દિવસના વિજ પાવર આપવામાં આવે તેવી બહુમત ખેડૂતોમાં માંગ ઉઠી છે….