વાંકાનેર શહેરમાં પાછલા લાંબા સમયથી મોટાભાગના રોડ-રસ્તાઓ અંત્યત દયનીય હાલતમાં ફેરવાઇ ગયાં છે, જેના કારણે તમામ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે નગરપાલિકામાં ભાજપના શાસન દરમ્યાન અગાઉ મંજૂર થયેલા શહેરના રોડ-રસ્તાના કામો પણ શાસકોએ સમયસર શરૂ ન કરતાં આજે નાગરિકોને ઉબડખાબડ રસ્તા પર ચાલવું પડી રહ્યું હોવાના આક્ષેપો વાંકાનેર નગરપાલિકાના સદસ્ય અને શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે…

બાબતે માહિતી વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ જાગૃતિબેન ચૌહાણએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે, વાંકાનેરના વિવિધ વોટ્સએપના ગ્રુપોમાં ગઈકાલથી એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં નગરપાલિકાનો પક્ષ રાખીને એવું દર્શાવવામાં આવેલ છે કે, વાંકાનેર શહેરના વિવિધ રોડ રસ્તાઓનું કામ મંજુર થઈ ચૂક્યું છે તથા ચોમાસા બાદ આ રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવશે. આ વાયરલ મેસેજ બાબતે વાંકાનેર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા મહંમદભાઈ રાઠોડે ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાને ફોન કરી આ વાયરલ મેસેજની વાસ્તવિકતા અંગે સ્પષ્ટતા માંગતા, ચીફ ઓફિસરે જવાબમાં જણાવેલ કે આ મેસેજ સાચો છે. આ કામો અગાઉ મંજુર થઈ ગયા છે અને તેનું કામ હાથ ધરવામાં આવશે…

અત્રે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે, જો રોડ રસ્તાના આ કામો અગાઉ મંજૂર થઈ ચૂક્યા છે, તો ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા અત્યાર સુધી કેમ કામો શરૂ કરવામાં આવ્યા નથી ? અગાઉ બે વર્ષના વહીવટદાર શાસનમાં આ કામો મંજુર થયા છે કે તેનાથી અગાઉના ભાજપ શાસનમાં આ કામો મંજૂર થયા છે ? હકીકતમાં ફેબ્રુઆરી- ૨૦૨૫ થી વાંકાનેર નગરપાલિકામાં ભાજપનું હાલનું શાસન કાર્યરત છે. પાછલા ૪-૫ મહિનાઓમાં ભાજપ શાસિત વાંકાનેર નગરપાલિકા અગાઉ મંજુર થયેલા કામો પણ કરી શકતી નથી. ભાજપ શાસિત વાંકાનેર નગરપાલિકા બિનકાર્યક્ષમ સાબિત થઈ છે, ભાજપના શાસકોની બેજવાબદારી અને બિનકાર્યક્ષમતાના કારણે વાંકાનેરના નાગરિકોને ખાડા ખાબડા વાળા જોખમી રોડ રસ્તાઓ પર ચાલવું પડે છે. વાંકાનેર શહેરના નાગરિકો નગરપાલિકાના ભાજપના શાસનથી ત્રાસી ગયા છે અને વાંકાનેર નગરપાલિકામાં ભાજપનું શાસન નિષ્ફળ સાબિત થયું હોવાનો દાવો મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાયો છે….



