નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને 57 એજન્ડાઓ સાથે સાધારણ સભા યોજાઇ : કુલ રૂ. 20.75 કરોડના કામોનું આયોજન….
ગઈકાલે સાંજે વાંકાનેર નગરપાલિકાની બીજી સાધારણ સભા નગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઇ હોય, જેમાં કુલ 28 સદસ્યો પૈકી 24 સભ્યોએ હાજરી આપી હતી. આ સાધારણ સભામાં વિપક્ષના સભ્યો દ્વારા રજૂ કરાયેલ છ સહિત કુલ 57 એજન્ડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય, જે પૈકી સત્તાપક્ષ દ્વારા બહુમતી સાથે મોટાભાગના એજન્ડાઓને મંજૂરી મળી હતી, જ્યારે વિપક્ષ દ્વારા રજૂ કરાયેલ તમામ છ એજન્ડાઓ વાંચન કર્યા વગર નામંજૂર કરવામાં આવ્યા હતા….
આ સાધારણ સભામાં કોગ્રેસ દ્વારા સકારાત્મક વિરોધપક્ષની ભુમિકા દાખવી એજન્ડામાં રજુ કરાયેલ વાંકાનેર શહેરના વિકાસના તમામ કામોને સમર્થન આપવામાં આવ્યું હતું તેમજ જન્માષ્ટમી નિમિત્તે નાગાબાવાજીના મેળાનું આયોજન કરવા ખર્ચ મંજુર કરવા બાબત કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રધ્ધાળુઓની આસ્થા, સગવડતા અને સલામતીનું પુરતુ ધ્યાન રાખી આયોજન/વ્યવસ્થા કરવા માંગણી સાથેના મુદ્દાને સમર્થન આપ્યું હતું….
ઉપરાંત કોગ્રેસ પક્ષના સદસ્યો દ્વારા નગરપાલીકાની સાધારણ સભામાં સમગ્ર શહેરમાં નવા રોડ બનાવવા, પીવાના પાણીની લાઈનો, ભગુર્ભ ગટરો, સ્ટ્રીટ લાઈટોની સુવીધા, ડ્રેનેજ લાઈનોની સાફ-સફાઈ, નગરપાલીકામાં લેડીસ રૂમ તથા સદસ્યો માટે બેઠક રૂમ સહીતના વિકાસલક્ષી કામોની માંગણીઓ કરવામાં આવી હતી. જે કામોને સત્તાપક્ષ દ્વારા બહાલી મળે કે કેમ તે જોવુ ઘટે. આ સાથે જ એજન્ડામાં વાંકાનેર નગરપાલીકાને રૂ.20.75 કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર હોય, જે રકમ શહેરના ૧ થી ૭ તમામ વોર્ડમાં સમાન રીતે વહેંચણી કરી વિકાસલક્ષી આયોજન કરવા માંગ કરવામાં આવી છે…..