આરોપીઓ પાસેથી હત્યાના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બે છરી તથા ત્રણ બાઇક કબ્જે કરાયા….

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ વાસુકી દાદાના મંદિર સામે રોડ પર દિવાળીની મોડીરાત્રીના મિત્રના ઝઘડામાં સાથે ગયેલ ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (ઉ.વ. ૨૦) નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય, જેના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હોય, ત્યારે આ મામલે ગઈકાલે સ્થાનિક નાગરિકો અને પરિવારજનો દ્વારા આરોપીઓની ધરપકડ સાથે જાહેરમાં સરભરા કરવાની માંગ સાથે હાઇવે પર ચક્કાજામ કરવામાં આવી હોય જે જનાક્રોશ માંડમાંડ શાંત પડ્યા બાદ આ મામલે પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે….

આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ૧). સાહિલ દિનેશભાઈ વિંજવાડીયા, ૨). ઋત્વિક જગદીશભાઈ કોળી, ૩). અનિલ રમેશભાઈ કોળી, ૪). કાનો દેગામા અને ૫). એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડી આજરોજ બપોરે આરોપીઓને વાંકાનેર કોર્ટમાં સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને રિમાન્ડ હોમમાં મોકલી અન્ય ચારેય આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડમાં છે…

સનસનીખેજ આ હત્યાકાંડમાં વાંકાનેર સીટી પીઆઇ એચ. એ. જાડેજા સહિતની ટીમ દ્વારા ગંભીરતા પૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે, આ સાથે જ આ બનાવમાં હાલ પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલી બે છરી તથા ત્રણ બાઇક કબ્જે કરવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે…..



