વાંકાનેર વિસ્તારમાં ખનીજચોરીએ માઝા મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે, જેમાં અવારનવાર ખનીજચોરી મામલે નાના-મોટા અકસ્માતો તથા મારામારીના બનાવો બની રહ્યા છે. થોડો દિવસ પહેલા તિથવા ગામના નાગરિકોએ બેફામ બનેલા ખનીજ માફીયાઓ સામે વાંકાનેર મામલતદાર અને પોલીસ તંત્રને લેખિતમાં રજૂઆત કરી હોય, છતાં તંત્રની મીઠી નજર હેઠળ ચાલતી બેફામ ખનીજચોરી યથાવત રહેતા આ મામલે બે જુથો વચ્ચે આંતરિક વિખવાદથી ગઇકાલે વહેલી સવારે જુથ અથડામણ સર્જાઇ હતી જે મામલે બંને પક્ષોએ એકાબીજા સામ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામે રહેતા ફરિયાદી સહદેવ સાદુરભાઈ ફાંગલીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). ભરતભાઈ હીરાભાઈ બાંભવા, ૨). છગનભાઇ હીરાભાઈ બાંભવા, ૩). મોનાભાઈ હીરાભાઈ બાંભવા અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓ તિથવા ગામે માટીના ડમ્પરના ફેરા કરતા હોય જેમાં આરોપી ભરતને તિથવા ગામમાં માટીના ફેરા નહિ કરવા જણાવવા છતાં ફેરા કરતાં આ મામલે ઝઘડો થતાં ચારેય આરોપીઓએ ફરિયાદી પર હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી…
આ બનાવમાં સામાપક્ષે ફરિયાદી ભરતભાઈ હીરાભાઈ બાંભવા (રહે. વાંકાનેર) એ આરોપી ૧). કમલેશભાઈ સાદુરભાઈ ફાંગલીયા, ૨). નિકુલભાઈ સાદુરભાઈ ફાંગલીયા, ૩). સહદેવભાઈ સાદુરભાઈ ફાંગલીયા અને ૪). કમલેશના અન્ય એક ભાઈ (રહે. તમામ તિથવા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તિથવા ગામે માટીના ફેરા નાંખવા જતા આરોપીઓએ ડમ્પર આડે સ્કોર્પિયો નાંખી ઝઘડો કરી, ધોકા વડે હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે….