ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના રાજકોટ વિભાગ હેઠળના વાંકાનેર ડેપો ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને રાજકોટ કર્મચારી મહામંડળના પ્રમુખ તથા નિગમની ફરજોને હંમેશા સર્વોપરી ગણનાર આદર્શ કર્મચારી જયેન્દ્રસિંહ ડી. જાડેજા (ઉર્ફે જયુભા) વય મર્યાદાને કારણે નિવૃત થતાં ગઇકાલ રવિવારે વાંકાનેર ડેપો ખાતે ગુજરાત એસ.ટી. નિગમના તમામ હોદ્દેદારો, તમામ વિભાગીય વડાઓ તથા ડેપોના ડેપો મેનેજર સહિતના અધિકારીઓ સહિતનાની ઉપસ્થિત રહી ભવ્યાતિભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો હતો…

જયુભાએ ૧૯૮૬માં સુરેન્દ્રનગર ખાતે હેલ્પર તરીકે પોતાની યાત્રા શરૂ કરી હતી અને લગભગ ૩૬ વર્ષ સુધી વાંકાનેર ડેપોમાં ફરજ બજાવી નિગમ પ્રત્યેની તેમની નિષ્ઠા સાબિત કરી છે. હોદ્દા કરતાં ફરજ મોટી તેવુ માનનારા જયેન્દ્રસિંહે ૨૦૨૧માં ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ અમદાવાદના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો પરંતુ ડેપોની પોતાની ફરજો પ્રત્યે વધુ ધ્યાન આપવા માટે તેમણે સ્વૈચ્છિક રીતે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે સૌ કોઈના માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કે ગમે તેવા મોટા હોદ્દા કરતાં નિગમ પ્રત્યેની ફરજો વધુ મહત્વની હોય છે…

ક્રેડિટ સોસાયટીના સુવર્ણયુગના પ્રણેતા જયુભાએ ૧૯૯૯ થી ૨૦૦૨ દરમિયાન ડિરેક્ટર તરીકે સેવા આપી અને ત્યારબાદ ૧૯ વર્ષ સુધી બિનહરીફ સતત એસ.ટી. ક્રેડિટ સોસાયટી – રાજકોટના ચેરમેન તરીકે અમૂલ્ય સેવા આપી હતી. વાંકાનેર ડેપોનો વિકાસમાં સિંહફાળો નોંધાવ્યો હતો જેમાં ૧૯૮૯માં ૨૨ શેડ્યુલ ધરાવતો ડેપો તેમની સૂઝબૂઝ થકી આજે ૬૨ શેડ્યુલ સુધી પહોંચ્યો છે. તેમણે રાજ્યમાં સૌપ્રથમ ઇન્ટરસિટી સર્વિસો (જેમ કે રાજકોટ-મોરબી) શરૂ કરાવીને મુસાફર જનતાને લાભ અપાવ્યો. સાથે જ મેનેજમેન્ટ સાથે સુમેળભર્યા સંબંધો જાળવી, કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નોનું સચોટ નિરાકરણ લાવી તેમણે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે…

વિદાય સમારંભના અધ્યક્ષ તરીકે દિલીપસિંહ ગોહિલ (પ્રમુખ, ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ, અમદાવાદ) અને ઉપાધ્યક્ષ તરીકે નરેન્દ્રસિંહ બી. મકવાણા (મહામંત્રી) હાજર રહ્યા હતા. સાથે જ રાજકીય અતિથિઓમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ રાજ્યસભાના સાંસદના પ્રતિનિધિ ક્રિપાલસિંહ ઝાલા સહિત નિગમના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા…



