વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ પર સ્પા ભાડે રાખવા મુદ્દે કાકા ભત્રીજા પર હુમલો થવા અંગે ગઈકાલે નોંધાયેલ ફરિયાદમાં સામાપક્ષે સ્પા સંચાલકે ચાર આરોપીઓ વિરુદ્ધ સ્પામાં મસાજ કરાવ્યા બાદ મારે રૂપિયા આપવાના ન હોય કહી સ્પા બંધ કરાવી દેવાની ધમકી આપી તલવાર સાથે આતંક મચાવ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વળતી ફરિયાદ નોંધી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના જુના ઢુવા રેલવે ફાટક પાસે રહેતા ફરિયાદી કાનાભાઈ કરશનભાઇ માલકીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ભુપતભાઇ (રહે. પ્રેમજીનગર) તેમજ તેની સાથે આવેલ ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, અઠવાડિયા અગાઉ આરોપી ભુપત તેમના સ્પામાં આવી મસાજ કરાવી ગયો હોય, જેથી મસાજના પૈસા માંગતા આરોપી ભૂપતે મારે પૈસા આપવાના ન હોય તેમ કહી સ્પા બંધ કરાવી દેવા ફોનમાં ધમકી આપી હતી. બાદમાં ગત તા.13ના રોજ ભુપત અને અન્ય ત્રણ આરોપીઓ તેમના માટેલ ઢુંવા રોડ પર આવેલ માસ સ્પા ખાતે તલવાર લઈ આવ્યા હતા અને સીસીટીવી, શટર અને એસીમાં તલવારના ઘા મારી બાદમાં પિતા પુત્રને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે વળતી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે….




