વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર રાણેકપર ગામના બોર્ડ પાસે સ્પાની આડમાં ધમધમતા કુટણખાના પર મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ દ્વારા દરોડો પાડી વિદેશી તથા ભારતીય મહિલાઓ પાસે ચલાવવામાં આવતાં ગેરકાયદેસર સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે સ્થળ પરથી એક વિદેશી તથા ચાર ભારતીય મહિલાઓને છોડાવી સ્પા મેનેજરની ધરપકડ કરી મુખ્ય સંચાલક વાંકાનેરના આરોપીને ફરાર દર્શાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે…..
બનાવની પ્રાપ્તિ વિગતો મુજબ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર-મોરબી હાઈવે પર રાણેકપર ગામના બોર્ડ પાસે આવેલ હિમાલય પ્લાઝામાં આરોપી રવિન્દ્ર નવિનચંદ્ર સોલંકી સંચાલિત સ્પર્શ સ્પા એન્ડ સલુનમાં દરોડો પાડી સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે, જેમાં પોલીસે સ્થળ પરથી એક તન્ઝાનીયા દેશની મહિલા તથા ચાર ભારતીય મહિલાઓને મુક્ત કરાવી સ્પા મેનેજર અરવિંદભાઈ વશરામભાઈ દેંગડા (રહે. નવાપરા, પંચાસર રોડ, વાંકાનેર) ની અટકાયત કરી હતી…
આ બનાવમાં સ્પાની આડમાં કુટણખાનું વાંકાનેર શહેરની સોની શેરી ખાતે રહેતા આરોપી રવિન્દ્રભાઈ નવીનચંદ્ર સોલંકી દ્વારા ચલાવવામાં આવતું હોવાનો ખુલાસો થતાં પોલીસ દ્વારા આરોપીને ફરાર દર્શાવી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે….