મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર રાણેકપર ગામના બોર્ડ નજીકથી બોલેરો પીકઅપ ગાડીમાં ચોરખાનું બનાવી બિયરના જંગી જથ્થાની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને રંગે હાથ ઝડપી પાડી રૂ. 17.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની વિગતો મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર રાણેકપર ગામના બોર્ડ નજીક ઇબીઝા કારખાના પાસે વોચ ગોઠવી અહીંથી સ્કોર્પિયો કાર નં. GJ 36 AJ 3900 ના પાયલોટીંગ સાથે પસાર થતી એક બોલેરો પીકઅપ વાહન નંબર GJ 36 V 8323 ને રોકી તલાસી લેતા બોલેરોમાં ઘરવખરીના સામાન નિચે ચોરખાનામાંથી 1680 નંગ બિયરના ટીન (કિંમત રૂ. ૩,૬૯,૬૦૦)નો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં આરોપી ૧). કલ્પેશકુમાર જયંતીભાઈ અઘારા,
૨). કલ્પેશભાઈ ઉર્ફે બાબો જેઠાભાઈ કલોતરા અને ૩). યોગેશભાઈ શનાભાઇ સીસા (રહે. ત્રણેય જુના દેવળીયા, તા. હળવદ)ને બિયરનો જથ્થો, બોલેરો તથા સ્કોર્પિયો વાહન, મોબાઇલ સહિત કુલ રૂ. 17,19,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ આ બનાવમાં અન્ય આરોપી વિજયભાઈ જયંતીભાઈ અઘારા (રહે. જુના દેવળીયા) નું નામ ખુલતા પોલીસે ચારેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….