વાંકાનેર શહેર નજીક આવેલ જોગજતી હનુમાનજીની ગુફા – રામ ટેકરી ધમલપર ખાતે શ્રી શ્રી ૧૦૦૮ ગુરુદેવ શ્રી રણછોડદાસબાપુની ૪૦મી પુણ્યતિથિની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શહેર, તાલુકા તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સેવકો અને શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે…

આગામી સંવત ૨૦૮૨ ફાગણ વદ ૧ (એકમ) એટલે કે તા. ૪ માર્ચ ૨૦૨૬, બુધવારના રોજ યોજાનાર આ પુણ્યતિથિ પ્રસંગે ૨૫ હજારથી વધુ ભક્તોને પંગતમાં બેસાડી મહાપ્રસાદ અર્પણ કરવામાં આવશે. મહાપ્રસાદ માટે ૩૦૦ કિલો શુદ્ધ ઘીમાંથી લાડુ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ દાળ-ભાત, રોટલી, શાક સહિતનો વિશાળ અન્ન પુરવઠો તૈયાર કરવામાં આવશે. ભારતીય પરંપરા મુજબ સ્વયં સેવકો દ્વારા પંગતમાં બેસાડી ભોજન પીરસવામાં આવશે અને પીવા માટે મિનરલ પાણીની સુવ્યવસ્થા પણ કરવામાં આવી છે. હજારો ભક્તોને ગરમા-ગરમ રસોઈ શિસ્તબદ્ધ રીતે પીરસવાનો અનોખો ઇતિહાસ અહીં દર વર્ષે સર્જાય છે….

પુણ્યતિથિ દિવસે સવારે ૮ વાગ્યે વિષ્ણુ યજ્ઞનો આરંભ થશે, જેમાં શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક આહુતિ અર્પણ કરશે. સાંજે ૪ વાગ્યે યજ્ઞમાં બીડું હોમાશે અને પૂર્ણાહુતિ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે ૬ વાગ્યાથી મહાપ્રસાદની શરૂઆત થશે. પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ સ્થાનિક સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વાંકાનેર (નવાપરા)નું ભજનીક મંડળ, મગનભાઈ ઝીંઝવાડીયા સહિતના ભજનીકો, તેમજ ઉસ્તાદ રાજુભાઈ ડાંગરીયા અને કિશોરભાઈ ડાંગરીયા પોતાની રજૂઆત કરશે.
જ્યારે તા. ૪ ના રોજ રાત્રે ૧૦ વાગ્યાથી ભજન આરાધક દલસુખ પ્રજાપતિ, કિશોર વાઘેલા અને ભાવેશ પટેલ સુરીલા સ્વરે સંતવાણી જમાવશે. સંગતમાં બેંઝા માસ્ટર પંકજ સોઢા, તબલા વાદક એકકા ઉસ્તાદ અને અબ્દુલ ઉસ્તાદ પોતાની કળાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જોગજતી ગ્રુપના સેવકો દિવસ-રાત નિષ્ઠાપૂર્વક જહેમત ઉઠાવી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




