
સામાપક્ષે ફરિયાદ તદ્દ્ન ખોટી હોવાના આક્ષેપ : ધાર્મિક અને રાજકીય રીતે બદનામ કરવા ષડયંત્ર રચાયું, ફરિયાદમાં ખોટા નામો લખાવાયા, આરોપીઓ સ્થળ પર હાજર જ ન હોવાના સીસીટીવી ફૂટેજ સાથે દાવો….
વાંકાનેર શહેરના રાજાવડલા રોડ પર બે દિવસ પૂર્વે ગાડી લઈને પસાર થતાં એક આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો હોય, જે મામલો હાલ સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ બનાવ મામલે ગઈકાલ મોડી રાત્રે છ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બંને પક્ષોએ સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ધાર્મિક-રાજકીય વિવાદનો મધપૂડો છેડાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હુસેનભાઈ ઈબ્રાહીમભાઈ ગઢવારા (ઉ.વ. ૫૨, રહે. તિથવા)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી સાહિદહુસેન અમીયલભાઇ વકાલીયા, જુબેર ઇકબાલભાઇ તરકબાણ, લતિફ અમીયલભાઇ, સોયબ વારસી, હનિફ મતવો અને સફિર અબાસભાઈ ગઢવારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી સાહિદ, જુબેર અને લતીફે ગત તા. ૨૯ની સાંજે રાજાવડલા રોડ ઉપર ફરિયાદીની કારને આંતરી ‘ તું ધાર્મિક વીડિયો કેમ ફોરવર્ડ કરે છે ? ‘ કહી લોખંડના પાઈપ વડે હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપી સોયબ, હનીફ અને સફીરે તેમની દુકાને આવી હવે વીડિયો ફોરવર્ડ કરીશ તો ટાંટિયા ભાંગી નાંખશું તેવી ધમકી આપતા તમામ વિરુદ્ધ ગુનો નોંધાયો છે….

ધાર્મિક-રાજકીય રીતે બદનામી કરવા ખોટી ફરિયાદ કરી નામો લખાવાયા, બનાવ ખરેખર બાઇક અથડાવાનો હતો : બચાવ પક્ષ

આ બનાવ મામલે સામા પક્ષે ફરિયાદમાં સામેલ આરોપીઓનો ચક્રવાત ન્યુઝ દ્વારા સંપર્ક કરતા તેમણે બચાવ કરતાં જણાવ્યું હતું કે, ફરિયાદી દ્વારા તદ્દન ખોટી રીતે તેમને ધાર્મિક અને રાજકીય રીતે બદનામ કરવાના હેતુથી ખોટી ફરિયાદ કરવામાં આવી છે. ખરેખર આ ફરિયાદમાં સામેલ આરોપીઓ પૈકી લતીફ સ્થળ પર હાજર પણ ન હોય, જે બનાવ સમયે તે પોતાની ગેરેજ ખાતે કામ કરતો હોય, જેના સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે હાજર છે. આ બનાવની સત્ય હકીકતમાં સાહીદ અને જુબેર બાઇક લઇને રાજાવડલા રોડ તરફ વળી રહ્યા હોય, ત્યારે સામેથી આવતા આ બનાવના ફરિયાદીએ પોતાની કાર સાથે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોય, જે મામલે બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ બનાવમાં ઇજાગ્રસ્ત બંને બાઇક સવારને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય અને તેમણે પણ સામે પોલીસમાં ફરિયાદ આપી હોવાની વિગતો જણાવવામાં આવી છે…

ધાર્મિક વિખવાદનો વિડિયો ફોરવર્ડ કરતાં તેના ખારમાં બનાવ બન્યો : ફરિયાદી

આ મામલે ચક્રવાત ન્યુઝ દ્વારા ફરિયાદી હુસેનભાઇ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું છે કે, આ બનાવમાં તેમણે થોડા દિવસ પહેલા એક ધાર્મિક વિખવાદ સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હોય, જે અનુસંધાને ગત શનિવારે ત્રણ આરોપીઓ તેમની દુકાને આવી બોલાચાલી કરી ધમકી આપી હોય, જે બાદ આ વાતનો ખાર રાખી ગત તા. ૨૯ ની સાંજના ફરિયાદ દુકાનેથી પોતાના ઘર તરફ ગાડી લઇને જઇ રહ્યા હોય, ત્યારે અન્ય ત્રણ ઈસમોએ તેમના પર હુમલો કરી માર માર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે…..



