વાંકાનેર સિટી પોલીસ, તાલુકા પોલીસ તથા જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ રવિવારે સવારે વાંકાનેર તાલુકાના તમામ ગામોના સરપંચો સાથે પોલીસને લગતાં પ્રશ્નો, બનાવો અંગે ‘ સરપંચ પરિસંવાદ ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કુલ ૩૮ ગમોના સરપંચો ઉપસ્થિત રહી પોતાના ગામોના નાગરિકોને પડતી પોલીસને લગતી સમસ્યા બાબતે રજુઆતો કરવામાં આવી હતી….
આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પીઆઇ બી. વી. પટેલ, વાંકાનેર સિટી પીઆઇ એચ. એ. જાડેજા અને મોરબી જિલ્લા ટ્રાફિક પીઆઇ એચ. વી. ઘેલા દ્વારા સરપંચોને સાયબર જાગૃતિ, શી ટીમ, સિનિયર સિટીઝનની કામગીરી, ગામડાઓમાં સી.સી.ટી.વી.ના ઉપયોગનું મહત્વ, મજૂર નોંધણી, ચોરી અટકાવવાના ઉપાયો, નશાબંધી, અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્પલાઇન નંબરો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, યુવા માર્ગદર્શન અને નવા કાયદાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી….
કાર્યક્રમના અંતે સરપંચોએ ટ્રાફિક સંબંધિત પ્રશ્નો, રખડતા ઢોરોની સમસ્યા અને અન્ય મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરી હતી. પોલીસે આ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થળ મુલાકાત લઈ ચર્ચા-વિચારણા કરી નિકાલ કરવાની ખાતરી આપી હતી. સરપંચોએ પોલીસ દ્વારા મળેલા સહકાર અને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી….