
ગૌશાળા માટે દર વર્ષે તન, મન અને ધનથી દાન માટે પ્રયાસો કરતાં ગૌસેવકોને સન્માનિત કરાયા, મકરસંક્રાંતિ નિમિત્તે દાન માટે જાહેર જનતાને અપીલ કરાઇ…

વાંકાનેર ખાતે કાર્યરત પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા છેલ્લા ૧૭૪ વર્ષથી પશુ-પક્ષી રક્ષા, બિમાર પશુધન સેવા, જીવદયા, પારેવાને ચણ, કુતરાને રોટલા, સ્મશાનમાં નિઃશુલ્ક અંતિમવિધિ, કતલખાને ધકેલાતા પશુઓને આશ્રય સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે એક હજાર કરતા વધારે ગૌવંશના નિભાવનું ભગીરથ કાર્ય કરવાંમાં આવી રહ્યું છે, ત્યારે ગૌશાળા દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે તન, મન અને ધનથી સેવા આપતા ગૌસેવકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય, જે અનુસંધાને શનિવારે વાંકાનેરની જૈન ભોજનશાળા ખાતે આ સન્માન સમારોહ યોજાયો હતો….

આ સંસ્થાના સંચાલન માટે ગૌવંશસેવા, જીવદયા અને પશુરક્ષાને વરેલા વાંકાનેર સહિત સૌરાષ્ટ્ર અને મુંબઈ સહિતના સેવાભાવી ગૌસેવકો દ્વારા અવિરત દાનની સરવાણી વહાવી ગૌ સેવાનો યજ્ઞ હંમેશા માટે જીવંત રાખવામાં આવી રહ્યો છે. આ સાથે જ વાંકાનેર શહેર-તાલુકાનાં વિવિધ સેવાકીય સંસ્થાઓ તથા ગૌ સેવક મંડળો દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ પર્વે વાંકાનેર, રાજકોટ, જામનગર વગેરે શહેરોમાં વાંકાનેર પાંજરાપોળ ગૌશાળા માટે દાન એકત્ર કરવા પંડાલ બનાવી દિવસભર સેવા યજ્ઞ કરે છે, જે તમામને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા…
આ પાંજરાપોળની સેવાકીય પ્રવૃત્તિઓ માટે દર વર્ષે રૂ. ૧.૫૦ કરોડ ખર્ચ થઈ રહ્યો છે. જેમાં માર્ચ-૨૦૨૦થી કોરોના મહામારીના કારણે સંસ્થાને મળતા દાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં પશુધન દાન માટે નાગરિકોને અપિલ કરવામાં આવી હતી…




