રાજાશાહી ગયે તો સાત દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં રાજાશાહીમાં જે રાજા પ્રજાવત્સલ રાજવીની છાપ છોડી ગયા તે રાજવીઓના વંશજોને પ્રજા આજે પણ પૂરું માન સન્માન આપે છે. તેનું ઉત્તમ ઉદાહરણ વાંકાનેર રાજપરિવારના મહારાજકુમાર ડો. રણજીતસિંહ ઝાલા પુરૂ પાડી રહ્યા છે. વાંકાનેર રાજપરિવારના પૂર્વ મહારાજ કુમાર રણજીતસિંહજી (IAS, નિવૃત્ત) વર્ષોથી દિલ્હીમાં રહે છે અને WWF India તથા INTACH જેવી ટોચની સંસ્થાઓના સહયોગમાં રહી પ્રકૃતિ અને સંસ્કૃતિના રક્ષણ, જતન તેમજ જાગૃતિના કાર્યમાં અતિ વ્યસ્ત રહે છે, જેનાથી તેઓ ભાગ્યે જ પોતાના વતનમાં આવી શકતા હોય છે.
દરમિયાન હાલ ચાલતા ગણેશ ઉત્સવમાં મહારાજકુમાર વાંકાનેર પધાર્યા હોય, ત્યારે ડો. રણજીતસિંહ અને તેમના કુંવારીબા અને વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ વાંકાનેરના ટાઉન હોલ ખાતે બિરાજમાન માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવના ગજાનનના દર્શને પધાર્યા હતા. આ તકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ડો. કિરણ ગોસાઈ, ડો. નયન ભિમાણી સહિતના ઉપસ્થિત સર્વે નગરજનોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. તેમજ ડો. જયવિરસિંહ ઝાલા તથા રાજભા જાડેજાએ ડો. રણજીતસિંહનું તેમજ ડૉ. સ્નેહલબા ઝાલા તથા જયશ્રીબાએ કુંવરિબા સાહેબનું સાલ ઓઢાડી નગરજનો વતી સન્માન કર્યું હતું….