પિતા બાદ જુવાનજોધ પુત્રનું પણ મોત થતાં એક મહિનાના નવજાત બાળકએ પિતા અને દાદાની છત્રછાયા ગુમાવી…

વાંકાનેર તાલુકાના જામસર ગામે ખેતરમાં વિજ તાર તુટતા લાગેલી આગ ઓલવવા જતા પિતા-પુત્રને વીજકરંટ લાગવાની કરુણ ઘટનામાં પિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોય, જે બનાવમાં હવે ગંભીર રીતે ઘાયલ થયેલા પુત્રનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે…
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના જામસર ગામે રહેતા વાઘજીભાઈ શીવાભાઈ દેલવાડિયા (ઉ.વ. 57) પોતાની વાડીએ કામ કરી રહ્યા હોય, ત્યારે વાડીમાં રાખેલા નીરણના જથ્થામાં ઉપરથી પસાર થતા વિજ તાર તુટતા અચાનક આગ લાગી હોય, જેને ઓલવવાના પ્રયાસ દરમિયાન વાઘજીભાઈનો પગ જીવંત વીજ વાયર પર આવી જતા તેમને જોરદાર વીજકરંટ લાગ્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ખેતરમાં જ ઢળી પડતાં તેમનું મોત નીપજ્યું હતું…

આ બનાવ બાદ તેમના 25 વર્ષીય પુત્ર જયદેવ વાઘજીભાઈ દેલવાડિયા પિતાને બચાવવા માટે દોડી ગયા હતા. પરંતુ પિતાને બચાવવાના પ્રયાસ દરમિયાન તેમને પણ વીજકરંટ લાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે રફાળેશ્વર નજીક આવેલી એપેક્ષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું…

ઉલ્લેખનીય છે કે મૃતક યુવક જયદેવના ઘરે હજુ એક મહિના પહેલા જ બાળકનો જન્મ થયો હતો. યુવકના અચાનક મોતથી એક માસના પુત્રએ પિતા અને દાદા બંનેની છત્રછાયા ગુમાવી દીધી છે. એક જ પરિવારના બે સભ્યોના મોતથી પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



