
જવાબદાર તંત્રની મીઠી નજર તળે હાઇવે પર દોડતા ઓવરલોડેડ અને ઓવર હાઇટ ટ્રકો સામે કાર્યવાહી અનિવાર્ય…
વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક રેલવે ઓવરબ્રિજની સેફટી ગટર સાથે આજે બપોરે વધુ એક વખત ઓવર હાઇટ અને ઓવરલોડેડ વેસ્ટ પુઠા ભરેલો ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો છે, જેના કારણે હાઇવે પર લાંબો ચક્કાજામ સર્જાયો છે. ઓવર હાઇટ પુઠા વેસ્ટ મટીરીયલ ભરેલો આ ટ્રક સેફ્ટી ગ્રીલ સાથે અથડાતાં સમગ્ર હાઇવે પર પુઠા વેસ્ટ મટીરીયલનો ઢગલો થઈ ગયો હતો, જેના કારણે એક તરફનો હાઇવે સંપૂર્ણ બંધ થયો છે. સદનસીબે આ અકસ્માતના બનાવ સમયે અહીંથી કોઈ વાહન પસાર ન થતાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી છે….

અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં દર બે દિવસે આવા ઓવરલોડેડ પૂઠાના વેસ્ટ મટીરીયલ ભરેલા ટ્રકોના કારણે અકસ્માત સર્જાય છે, જેના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. ત્યારે તંત્રની મીઠી નજર તળે દોડતા આ ઓવર લોડેડ અને ઓવર હાઇટ સમાન ભરેલા ટ્રકો સામે યોગ્ય કાર્યવાહી કરી છાસવારે સર્જાતા અકસ્માતો નિવારવામાં આવે તે અનિવાર્ય બન્યું છે….



