વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ – દિલ્હી તરફથી મોરબી જિલ્લા કોંગ્રેસના નિરીક્ષક બી. વી. શ્રીનિવાસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ – અમદાવાદ તરફથી મોરબી જિલ્લા કોંગ્રેસના નિરીક્ષકો ડૉ. દિનેશભાઈ પરમાર (પુર્વ મંત્રી ગુજરાત સરકાર), વાલજીભાઈ દાનિચા (પુર્વ ધારાસભ્ય ભુજ-કચ્છ), જાકિર હુસૈનભાઈ ચૌહાણ (પુર્વ પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ) અને હિતેશભાઈ વોરા (પુર્વ પ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ) ઉપસ્થિત રહ્યા હતા…
આ કાર્યક્રમની શરૂઆત કાશ્મીર આતંકવાદી હુમલામાં ભોગ બનનાર મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી બાદમાં પોસ્ટરો અને બેનરો સાથે ન્યાયની માંગણી કરવામાં આવી હતી. આ તકે મીટીંગમાં ઠરાવ પસાર કરી વાંકાનેર પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયાએ આ આતંકવાદી હુમલાને વખોડી કાઢી સરકાર સમક્ષ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આ તકે “સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત સ્થાનિક કાર્યકરો સાથે ચર્ચા કરી નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પસંદ કરવાની કાર્યવાહીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના નિરીક્ષકોએ સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ સાથે ગંભીર ચર્ચા-વિચારણા કરી, પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટેની કવાયત હાથ ધરી હતી…
આ પ્રસંગે વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, મહિલા કોંગ્રેસ પ્રમુખ, યુવા કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસ SC સેલ પ્રમુખ, કિસાન કોંગ્રેસ પ્રમુખ, મોરબી જિલ્લા પંચાયતના સદસ્યો, વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યો, માર્કેટ યાર્ડના પ્રમુખ- ઉપપ્રમુખ તથા સદસ્યો, વાંકાનેર નગરપાલિકાના સદસ્યો સહિત વાંકાનેર શહેર અને તાલુકાના કોંગ્રેસ પક્ષ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા…