દિનપ્રતિદિન નાની ઉંમરમાં જ હાર્ટ એટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાંકાનેરના કણસાગરા (પ્રજાપતિ) પરિવારના 13 વર્ષીય પુત્રનું મહેસાણા ખાતે ફૂટબોલ રમતી વેળાએ હાર્ટ એટેકથી મોત થયું છે. બનાવને પગલે પરિવાર પર આફતોનો આભ તૂટી પડ્યો છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ભાજપ અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિના પૌત્ર અને ગૌતમભાઈ સુરેશભાઈ કણસાગરાના 13 વર્ષીય પુત્ર જૈમીલ કણસાગરા જે સ્ટેટ લેવલ ફૂટબોલ પ્લેયર હોય, જેને પરિવાર દ્વારા ઉચ્ચ અભ્યાસ અને ફૂટબોલ તાલીમ માટે મહેસાણાની તપોવન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ આઠમાં દાખલ કરવામાં આવ્યો હોય, જેમાં ગઇકાલ સાંજે જૈમીલ શાળામાં તેના સહવિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હોય, ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવતાં જૈમીલ મેદાન પર જ ઢળી પડ્યો હતો જેથી શાળા સંચાલકો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોય, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું અવસાન થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે…



