વાંકાનેર પંથકમાં રવિવારે સવારે 11 વાગ્યાથી શરૂ થયેલ વરસાદ સમગ્ર પંથકમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવવા અને નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં વાંકાનેર પંથકમાં સવારે દસ વાગ્યા સુધીમાં 9 થી 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયાના સમાચાર સામે આવ્યા છે. હાલ કંટ્રોલ રૂમ ખાતે કોઈ મોટી દુઘર્ટના કે નુકસાનીના સમાચારો સામે આવ્યા નથી, પરંતુ ઘણી જગ્યાએ વિજળી પડવા, દિવાલો ધરાશાયી થવી, પાણી ભરાવા સહિતના સમાચાર મળી રહ્યા છે…
હાલ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના દાણાપીઠ ચોક વિસ્તારમાં પાણી ભરાવાના કારણે દુકાનોમાં પાણી ઘૂસી ગયા ના સમાચાર મળી રહ્યા છે. આ સાથે જ વાકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે પાણીના વહેણના કારણે કબ્રસ્તાનની દિવાલ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં સદનસીબે કોઇ જાનહાનિ થયેલ નથી. આ સાથે જ વાંકાનેર વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ લોકોના ઘરોમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન થઇ રહ્યા ના સમાચારો પણ સામે આવ્યા છે….
છેલ્લા 24 કલાકમાં વાંકાનેર વિસ્તારમાં પડેલા વરસાદની વિગતવાર વાત કરીએ તો વાંકાનેર શહેરી વિસ્તારમાં સવારે દસ વાગ્યા સુધીમાં કુલ 9 ઇંચ વરસાદ નોંધાયો છે, કેરાળા વિસ્તારમાં 14 ઇંચ, મચ્છુ 1 ડેમ સાઇટ પર 8 ઇંચ, મહિકા વિસ્તારમાં 9 ઇંચ વરસાદ નોંધાયો હોવાના સમાચાર સામે આવ્યા છે.