ઠેરઠેર રથના વધામણા સાથે સભાઓ યોજાઇ, ગામેગામ સર્વ સમાજ દ્વારા સમર્થન અપાયું….
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બદલ સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે, જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા આગામી ચુંટણીમાં ભાજપની તાનાશાહી વિરુદ્ધ મોચરો માંડી સમાજમાં જાગૃતતા લાવવા આશાપુરા માતાજીના મંદિર ખાતેથી ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે. જે ધર્મરથ ગઇકાલે વાંકાનેર પંથકમાં પધારી ગામે-ગામ ફરી ક્ષત્રિય નારી અસ્મિતાની રક્ષા કાજે લોકશાહી બચાવો અભિયાન અંતર્ગત તાનાશાહી વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું….
આ ધર્મરથ વાંકાનેર તાલુકાના ખેરવા , કણકોટ, ઘીયાવડ, ઘીયાવડ નેસ, અગાભી પીપળીયા, કલાવડી, સિંધાવદર, કોટડા, પીપળીયા રાજ, અરણીટિંબા, ગારીયા, લુણસરિયા, સરધારકા, જેતપરડા, ઢુંવા, ભાયાતિ જાંબુડિયા , વઘાસિયા, પંચાસિયા, રાતીદેવરી, જડેશ્વર, કોઠારિયા સહિતના ગામોમાં ફર્યો હતો, જ્યાં દરેક ગામમાં ઠેરઠેર રથનું ક્ષત્રિય સહિત સર્વ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું…
ક્ષત્રિય સમાજની એકતા સાથે નારી અસ્મિતાની રક્ષા કાજે ફરતા આ રથને ગામેગામ વધાવવામાં આવ્યો હતો, જેમાં આ ધર્મ રથયાત્રા મારફતે આગામી લોકસભાની ચૂંટણીમાં તાનાશાહી વિરુદ્ધ ભાજપ સામે મતદાન કરવા ક્ષત્રિય સમાજ દ્વારા સર્વ સમાજને અપીલ કરવામાં આવી હતી…