કેબિનેટ મંત્રી રૂષિકેશ પટેલ દ્વારા ટ્વિટ કરી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના વિશે આપેલ માહિતી ગુજરાતનાં ખેડૂતો માટે મજાક રૂપ અને ગેરમાર્ગે દોરનાર : શકીલ પીરઝાદા
ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર તા. 6 ના રોજ એક પોસ્ટ મૂકી કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના વખાણ કર્યા હોય, જે બાબતે કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા દ્વારા ગુજરાતના ખેડૂતો માટે ખોટી માહિતી આપવા બદલ કેબિનેટ મંત્રીને આડેહાથ લેતા ટ્વીટ પરત ખેંચવા માંગ કરી છે. બાબતે તેમણે એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ગુજરાતમાં પાછલા ચાર વર્ષથી અમલમાં જ નથી.
દેશભરના ખેડૂતોની સહાય માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અમલમાં છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2020 થી આ યોજના રદ્દ કરવામાં આવી છે, ઊંચા વિમા પ્રીમિયમનું કારણ બતાવીને આ યોજનાની અમલવારી ગુજરાત રાજ્યમાં બંધ કરવામાં આવી છે. હકીકતમાં પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ગુજરાતમાં નિષ્ફળ સાબિત થઈ છે. સમગ્ર ગુજરાતના ઘણા બધા વિસ્તારો સહિત વાંકાનેર તાલુકાના ખેડૂતો પણ આ યોજના હેઠળ પાકવિમો મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યા છે.
ગુજરાતમાં આ યોજના નિષ્ફળ સાબિત થતાં, ગુજરાત સરકાર દ્વારા તેની અમલવારી બંધ કરી તેના બદલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવવામાં આવી, પરંતુ તેની અમલવારી પણ હાલ બંધ છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પણ ગુજરાતના ખેડૂતોને લાભ મળ્યો નથી. વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં ઓગસ્ટ-2023 સમગ્ર મહિનામાં વરસાદ પડ્યો નથી, ઉપરાંત નવેમ્બર-2023 માં માવઠું અને હિમવર્ષા થયેલ.
આ બંને આપત્તિઓના કારણે ખેતીના પાકમાં જેતે સમયે નુકશાન થયેલ, પરંતુ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કે એસ.ડી.આર.એફ. યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી નથી. આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારની જે યોજના તેની નિષ્ફળતાના કારણે ગુજરાતમાં અમલમાંજ નથી, તેવી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના વખાણ કરીને તેને ખેડૂતો માટે લાભકર્તા બતાવીને ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ
રાજ્યના ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, તેમ જણાવ્યું છે….