Tuesday, February 10, 2026
More
    Homeચક્રવાત વિશેષચોમાસામાં હરિયાળી અને શિયાળામાં સોનેરી ઘાસથી ખીલી ઊઠતું વાંકાનેરનું રામપરા વન્યપ્રાણી અભ્યારણ...

    ચોમાસામાં હરિયાળી અને શિયાળામાં સોનેરી ઘાસથી ખીલી ઊઠતું વાંકાનેરનું રામપરા વન્યપ્રાણી અભ્યારણ…

    અભ્યારણમાં ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓ કરે છે વસવાટ…

    વાંકાનેર શહેથી 16 કીમીના અંતરે આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય કુલ ૧૫.૦૧ વર્ગ કિ.મી. માં ફેલાયેલું છે, જેમાં 100 થી વધારે પ્રજાતિના વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. આ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય વિષે મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલએ મિડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ અભયારણ્યમાં 100થી વધુ જાતના વન્યપ્રાણીઓ જોવા મળે છે અને ૨૦થી વધુ જાતનાં સસ્તન વર્ગના પ્રાણીઓ આ વિસ્તારમાં વસવાટ કરે છે, જેમાં દીપડા, ઝરખ, વરૂ (નાર), ચિંકારા, નીલગાય, જંગલીભૂંડ, શિયાળ, સસલાનો સમાવેશ થાય છે. અજગર, કોબ્રા (નાગ), વાઇપર, ધામણ જેવા સાપ ઉપરાંત ઘો અને કાચીડા મળીને 15 થી વધુ જાતનાં સરિસૃપો અહિં જોવા મળે છે. તો 10 થી વધુ જાતના કરોળિયા તથા રંગબેરંગી પતંગિયાં જૈવિક વૈવિધ્યમાં ઉમેરો કરે છે….

    આ વિસ્તારમાં 150થી વધુ જાતનાં સ્થાનિક તથા યાયાવર પક્ષીઓ જોવા મળે છે, જેમાં મોર, ખેરખટ્ટો, બ્રાહ્મણીમેના, બુલબુલ, દરજીડો, કુત્કી, સસેતર, લાવરી, સુગરી, તેતર, ચકકરખોરા વગેરેનો સમાવેશ થાય છે. નાની સિસોટી, બતક, દુધરાજ, ટીલાવાળી બતક અહીં માળા બનાવે છે. ચોમાસા દરમ્યાન ચાતક તથા નવરંગ (ઇન્ડીયન પીટ્ટા) અહી મહેમાન બને છે. શીકરા, બાજ જેવા શિકારી પક્ષીઓ વૈવિધ્યમાં વધારો કરે છે. શિયાળા દરમ્યાન કુંજ, પેણ, અને વિવિધ જાતની બતખ પણ આવે છે….

    આ અભ્યારણ્યમાં એશિયાઈ સિંહોની “જીન-પૂલ વસ્તી” અને ચિત્તલ, સાંભર અને ચિંકારાના “બ્રિડીંગ સેન્ટર”ની મહત્વપૂર્ણ કામગીરી વિશે ડૉ. બેરવાલ જણાવેલ કે, રામપરા અભ્યારણ્યને વર્ષ ૨૦૦૮માં સિંહના “જીન-પૂલ વસ્તી” માટે પસંદ કરવામાં આવ્યુ અને હાલમાં પ્રોજેક્ટ હેઠળ ૧૨ સિંહ માટે ૬ મોટા એન્કલોઝર છે. ચિત્તલની બ્રિડીંગ માટે પણ તેમના એન્કલોઝરમાં છાંયડા અને ખોરાકની સુચારૂ વ્યવસ્થા છે. ઉપચાર માટે દવાખાનું, પશુ ચિકિત્સક, એટેન્ડન્ટ, પશુઓના હેરફેર માટે વાહન સહિતની સુવિધા ઉપલબ્ધ છે. દૈનિક ખોરાક તૈયાર કરવા માટે રૂમ બનાવવામાં આવ્યા છે અને દેખરેખ માટે વોચ ટાવર છે. વન્યપ્રાણીઓને તેમના નૈસર્ગિક રહેઠાણમાં બિનજરૂરી ખલેલ ન પહોંચે તેમજ તેમના કુદરતી અને કૃત્રિમ સંવર્ધન માટે આ અભ્યારણ્ય જાહેર જનતાની અવર-જવર માટે પ્રતિબંધિત છે….

    અહિંના ધાસિયા વિસ્તારમાં ૪૦૦ જેટલી વનસ્પતિની જાતો જોવા મળે છે. જેમાં ભૂરી શંખાવલિ જેવી લુપ્ત થતી વનસ્પતિ, ગુગળ, ખરખોડી, કેરડા, લોદરી, ખાખરો, વિકળો, સલાય, ખજુરી જેવી આયુર્વેદિક ઔષધિઓ તથા તાડ, રોહિડો, કડાયો, દેશી બાવળ, ગોરડ, સીસમ જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે ઉનાળુ આબોહવા ધરાવતા આ પરિસરની ચોમાસામાં લીલોતરીની સુંદરતા ચરમસીમાએ દ્રશ્યમાન થાય છે. જયારે શિયાળામાં પાનખર બેસતાં અને ઘાસ સુકાતાં સમગ્ર વિસ્તાર સોનેરી રંગોથી સોહામણો બની જાય છે.

    રામપરા વન્ય અભ્યારણ્યના ઐતિહાસિક અને ખનિજ તત્વો વિશે વાત કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાકા કટોચે જણાવ્યું હતું કે, અગાઉ આ વિસ્તાર રામપરા વીડી (ભોજપરા વીડી) તરીકે ઓળખાતો અને વાંકાનેર રાજવી પરિવારની માલિકીનો હતો, જયાં તેમની શિકારની રમતો ગોઠવાતી હતી. જે બાદ સરકાર હસ્તક આવતા આ વીડીમાં સને-૧૯૮૮ સુધી ધાસ એકત્ર કરવામાં આવતું હતું. નાની-મોટી ટેકરીઓ તથા વોકળા ધરાવતા આ પરિસરનો મોટાભાગનો વિસ્તાર જુરાસિક સમયનો રેતાળ પથ્થરથી બનેલ છે. મુખ્યત્વે જમીન કાળી, રાતી તથા ઓછી ફળદ્રુપ છે.

    આ અભ્યારણ્ય પાંચાળના ઉબળ-ખાબડ રચના ધરાવતા ભૂપૃષ્ઠના મધ્યભાગમાં નાની મોટી ટેકરીઓ અને ખીણ ધરાવતા સુકા પાનખર ધાસના કાંટાળા જંગલ તરીકે પણ જાણીતું છે. શણિયાર, જીંજવો, ધરફ, કાગડું તથા રાતડ જેવી ખાવાલાયક ઘાસ અહીં વિપુલ પ્રમાણમાં થાય છે. વન વિભાગ દ્વારા ભૂમિ-ભેજ સંરક્ષણ તથા રહેઠાણ સુધારણાના કામો કરવામાં આવે છે. અહીં પંખીઓને ખોરાક મળી રહે એ માટે ફળો (જાંબુ, કરમદા, રાણ, ચીકુ) તેમજ છાયા આપે તેવા વડલા અને પીપળાના વૃક્ષો લગાવવામાં આવ્યા છે….

    વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીના પ્રાકૃતિક અને કૃત્રિમ સ્ત્રોતોની વ્યવસ્થા ઉભી કરાઈ છે. અવારનવાર વરસાદની ખેંચ તથા પથ્થરાળ પર્વતીય જમીનને કારણે દુષ્કાળના સમયમાં મોટાં વૃક્ષો સુકાવાનું પ્રમાણ વધી જાય છે. જેથી વન વિભાગે વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે એક તળાવ ૧૯૯૮ માં બનાવ્યું હતું. તળાવની વચ્ચે પક્ષીઓ બેસી શકે તેવા માઉન્ડ બનાવાયા છે. જ્યાં અમુક પક્ષીઓ માળા બનાવીને રહે છે. જમીનમાં પાણીનો સંગ્રહ થતા જંગલ હરિયાણું રહે છે.

    અભયારણ્યના ફરતે ડિસેમ્બર ૨૦૧૭ થી ૩૧.૦૮ વર્ગ કિ.મી.નો વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેથી નજીકના વિસ્તારમાં વન અને વન્યપ્રાણીઓના સંવર્ધન ને ધ્યાને રાખી વિકાસની કામગીરીઓ થાય. જનજાગૃતિની પ્રવૃત્તિ હેઠળ શાળા-કોલેજના વિધાર્થીઓ માટે બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૭ શિબિર માં ૮૬૦ વિધાર્થીઓ-શિક્ષકોએ ભાગ લીધો હતો, તેમજ સ્થાનિક ખેડૂતો માટે ખેડૂત શિબિર પણ યોજાઇ હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!