આગામી દિવસોમાં ઇસ્લામના મહાન પયગંબર હઝરત મોહંમદ મુસ્તફા (સ.અ.વ.)સાહેબના 1500માં મિલાદ શરીફ (જન્મ જયંતિ)ની ઉજવણી અંગે વાંકાનેર પંથકના મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઉજવણીના આયોજન માટે ગઇકાલે વાંકાનેરના લક્ષ્મીપરા-હુસૈની ચૌક ખાતે પુર્વ ધારાસભ્ય મોહંમદજાવેદ પીરઝાદાના અધ્યક્ષ સ્થાને વાંકાનેર શહેર મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં મીરસાહેબ પીરઝાદાના પુત્ર એડવોકેટ શકીલ પીરઝાદા, મુસ્લિમ સમાજના મહામંત્રી મોહંમદભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા…
આ તકે તમામ સર્વાનુમતે નિર્ણય કરી વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં આગામી તા. ૦૫ સપ્ટેમ્બરના રોજ રાબેતા મુજબ ઈદે મિલાદના દિવસે જુમ્માની નમાઝ બાદ લક્ષ્મીપરા – મીરુમિયાં બાવાની દરગાહથી જુલુસ શરૂ થશે, જે દાણાપીઠ ચોકથી જોરાવાર પીર બાવાની દરગાહે પહોંચી સલાતો સલામ બાદ આ જુલુસ ગ્રીન ચોક – મેઈન બજાર – ચાવડી ચૌક – શાહબાવાની દરગાહે પહોંચી ત્યાં ચાદર ચઢાવી ફરી જુલુસ રામ ચૌક – પ્રતાપ ચૌક – માર્કેટ ચૌક – પ્રતાપ રોડ થઇ લક્ષ્મીપરા હુસૈની ચૌક ખાતે વિસર્જિત થશે. જે બાદ જવાસા રોડ પાસે આવેલા હૈદરી ચૌક ખાતે આમ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું છે..
આ પ્રસંગે લક્ષ્મીપરા હુસૈની ચૌક ખાતે ગુરુવારની મોડી રાત્રીથી સુબહ સાદિક સુઘી પયગંબર સાહેબની યાદમાં નાત શરીફ-સલાતો સલામ પેશ કરવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં જુલૂસ દરમ્યાન ફટાકડા ફોડવા તથા કલર ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમજ જુલૂસમાં ડીજે પર ધીમે અવાજે ફક્ત નાત શરીફ કે કવ્વાલી વગાડવામાં આવશે, અન્ય કોઈ ગીત – સંગીત પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે.
આ સાથે જ માહે રબીઉલ અવ્વલના હાલના દિવસોમાં ઈદે મિલાદ સુધી તમામ મુસ્લિમ બિરાદરો પોતાના ઘરો અને દુકાનો સીરીજ લાઈટ થી શણગાર કરે તેવી અપીલ કરવામાં આવી છે. જેથી આગામી ઈદે મિલાદની ઉજવણી બાબતે વાંકાનેર શહેર મુસ્લિમ સમાજના યુવાનો અને અગ્રણીઓની આ મીટિંગના નિર્ણયોની તમામે નોંધ લેવા તાકીદ કરવામાં આવી છે….