વાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદીનો પુલ છેલ્લા દોઢેક વર્ષથી ડેમેજ હોય, જેનું ગોકળ ગાયની ગતિએ કામ ચાલી રહ્યું હોય જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોય, ત્યારે આજરોજ પુલની મરામત કામગીરી પૂર્ણ થતાં વાંકાનેર ધારાસભ્યના હસ્તે પુલને ખુલ્લો મુકવામાં આવ્યો છે….

સામાન્ય રીતે પુલના નવનિર્માણ માટે દોઢ વર્ષનો સમય પુરતો ગણાય, ત્યારે અહીં વાંકાનેરની નબળી નેતાગીરી અને રાજકીય વિવાદના કારણે પુલના એક ભાગને રિપેર કરવામાં કોન્ટ્રાકટર દ્વારા દોઢ વર્ષનો સમય લાગ્યો, જેના કારણે શહેર તથા તાલુકાના પ્રજાજનોને અનેક પ્રકારની તકલીફો વેઠવી પડી હતી. જો કે કામગીરીની શરૂઆત જ નબળી રહી હતી એક તો કામ કરવામાં જાણે નિરસ હોય ત્યારે વરસાદ પડતા નદીમાં પાણી ભરાઈ ગયું હતું, ત્યારે અભાગણીને આણું આવે ને વરને વય આવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે સ્થાનિક નેતાઓએ અવાર નવાર મુલાકાત લઈ અધિકારીઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. પુલની રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવામાં કોન્ટ્રાક્ટરને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના અંતે દોઢેક વર્ષ જેટલા સમયમાં રીપેરીંગની કામગીરી પૂરી કરી દીધી છે, ત્યારે વાહનોના યાતાયાત માટે આજે આ પુલને ખુલ્લો મુકવામાં આવતા શહેરને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળશે…

હવે જોવાનું રહ્યું કે બાયપાસ રોડ ચાલુ થઈ ગયો હોય ત્યારે શહેરમાંથી પસાર થતા ભારે વાહનો માટેનો પ્રતિબંધ લગાવવામાં આવે તો જ પ્રજાજનોને રાહત મળશે નહીંતર બાયપાસ રોડનો મતલબ શું તેવા સવાલો ઉઠ્યા છે…



