શિક્ષણમાં પણ દિનપ્રતિદિન વધતું વ્યાપારીકરણ : સ્કુલ દ્વારા ફરજીયાત એક જ જગ્યાએથી ચોપડા, સ્કુલ બેગ, યુનિફોર્મ ખરીદવા આગ્રહ ગેરકાનૂની, તપાસના આદેશ : શિક્ષણાધિકારી

દિનપ્રતિ દિન સમયની સાથે દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર સતત વધી રહ્યો છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રને પણ નફાના લાલચું લોકો દ્વારા બાકાત રાખવામાં આવ્યું નથી, જેમાં રાજ્ય સરકારનો સ્પષ્ટ આદેશ હોય કે, કોઈપણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ/વાલીઓને શાળામાંથી કે કોઇ એક જ જગ્યાએથી ફરજિયાત ચોપડા, યુનિફોર્મ કે અન્ય કોઈપણ પ્રકારની શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે ફરજ પાડી ન શકાય, આવી પ્રવૃત્તિ ગેરકાનૂની હોય અને યોગ્ય કાર્યવાહી સાથે સ્કૂલને ક્લોઝર નોટિસ પણ મળી શકે છે, ત્યારે વાંકાનેરની એક ખાનગી શાળા દ્વારા વાલીઓને ફરજિયાત એક જ જગ્યાએથી ચોપડા ખરીદવા માટે ફરજ પાડવામાં આવી રહી છે, જેની સામે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે…

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ/વાલીઓને એક ચોક્કસ સ્ટેશનરી દુકાનમાંથી જ અભ્યાસ માટેના ચોપડા ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. બાબતે ચક્રવાત ન્યુઝ સમક્ષ પિડિત વાલીઓએ માહિતી આપતા જણાવ્યું હતું, શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ફરજ પાડવામાં આવી રહી છે કે તેઓ અભ્યાસ માટેના ચોપડાનો સેટ અને સામગ્રી માત્ર એક જ નક્કી કરાયેલ દુકાનમાંથી જ ખરીદે. તેમજ શાળા દ્વારા વિદ્યાર્થીઓને ફરજીયાત સ્કુલના નામ સાથેના સ્કુલ બેગ તથા બુક ખરીદવા આગ્રહ કરવામાં આવે છે. આ સાથે જ શાળા દ્વારા ચોપડાનું લિસ્ટ પણ વાલીઓને આપવામાં આવતું ન હોવાનું જણાવાયું છે.

વાલીઓના મતે, શાળાનું આ વર્તન ગેરકાયદેસર અને ગ્રાહક હક્કોનું ઉલ્લંઘન છે. તેમણે શિક્ષણ વિભાગને રજૂઆત કરી તાત્કાલિક તપાસની માંગણી કરી છે. આ મામલે વાલીઓએ જણાવ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને આર્થિક લાભ માટે ફરજીયાત ખરીદી જેવી પ્રથા બંધ કરવી જોઈએ. તેમજ આ મામલે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે યોગ્ય તપાસ હાથ ધરી શિક્ષણના ધંધાકીયીકરણને રોકવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાં જોઈએ…

કોઇપણ સ્કુલ વાલીઓને ફરજીયાત એક જ સ્થળેથી ચોપડા કે અન્ય કોઇપણ સામગ્રી ખરીદવા આગ્રહ ન કરી શકે : શિક્ષણાધિકારી
આ મામલે ચક્રવાત ન્યુઝ દ્વારા વાંકાનેર પ્રાથમિક શિક્ષણ અધિકારી કિશોરભાઈ રાઠોડ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, કોઈ પણ સ્કૂલ વિદ્યાર્થીઓ કે વાલીઓને એક જ જગ્યાએથી ચોપડા, યુનિફોર્મ, સ્કૂલબેગ સહિતની કોઈપણ શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે આગ્રહ ન કરી શકે, આવી પ્રવૃત્તિ ગેરકાનૂની છે, જેથી આ મામલે અમો બે દિવસમાં યોગ્ય તપાસ કરી બાબતે સત્ય સાબિત થાય તો શાળા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે ચક્રવાત ન્યુઝ દ્વારા આ મામલે ખુલાસા માટે શાળાનો સંપર્ક કરતાં પ્રિન્સિપાલનો ફોન સતત નો રીપ્લાય આવ્યો હતો…


