Thursday, November 21, 2024
More
    Homeચક્રવાત વિશેષઆજે રાષ્ટ્રીય મતદાતા દિવસ, જાણો શું છે આજના દિવસની વિશેષતાઓ અને મહત્વ....

    આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ, જાણો શું છે આજના દિવસની વિશેષતાઓ અને મહત્વ….

    ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ (National Voters Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે..

    પહેલો રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૫ મી જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ ઉજવાયો હતો. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ નવા મતદારોને પ્રોત્સાહિત કરવાનો, સુવિધા આપવાનો, મહત્તમ નોંધણી કરવાનો છે. ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ ભારતના ચૂંટણી પંચના સ્થાપના કરવામાં આવી હતી. ચૂંટણી પંચના સ્થાપના દિવસની યાદમાં ભારત દેશમાં દર વર્ષે ૨૫ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના મુખ્ય મહેમાન પદે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મતદાન એ આપણો મૂળભૂત અધિકાર છે…

    ભારત દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. ‘લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન’ એટલે લોકશાહી. ભારત દેશમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે. જેમાં લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે. ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતમાં મતાધિકાર માટેની ઉંમર ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી છે. મતનું મહત્ત્વ સમજાવવા અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ભારતનું ચૂંટણીપંચ વ્યવસ્થા કરે છે. ચૂંટણી સમયે વધુને વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગ્રત કરવામાં આવે છે. ચૂંટણીપંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવે છે…

    ભારતીય ચૂંટણીપંચની સ્થાપના ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ થઈ હતી. આ સંસ્થા બંધારણની કલમ-૩૨૪ અંતર્ગત આવે છે. એમાં ત્રણ સભ્ય પ્રમુખ હોય છે, પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર અને બે અન્ય કમિશનર સામેલ હોય છે. તેમને રાષ્ટ્રપતિ તરફથી નિયુક્ત કરવામાં આવે છે. સૌનો કાર્યકાળ ૬ વર્ષનો હોય છે. આ એક બંધારણીય સંસ્થા છે. ભારતમાં સંવિધાનની કલમ ૨૪૩(ડ) અને કલમ ૨૪૩ (વ)(ક)ની જોગવાઈ અનુસાર રાજ્યની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના સંચાલન, દેખરેખ અને નિયંત્રણની કામગીરી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં સંવિધાનની કલમ ૨૪૩(ડ) અને કલમ ૨૪૩ (વ)(ક)ની જોગવાઈ અનુસાર ગુજરાત રાજ્યમાં રાજ્ય ચૂંટણી આયોગની રચના ૨૩ સપ્ટેમ્બર, ૧૯૯૩ થી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી તેના વડા છે અને તેમની નિમણૂક રાજ્યપાલશ્રી દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગનું મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવેલું છે…

    ભારતનું ચૂંટણીપંચ ECI (Election commission Of India) ભારતમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનું સંચાલન કરે છે. તે ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીઓ પર પણ દેખરેખ રાખે છે. ભારતનું ચૂંટણીપંચ ECI (Election commission Of India) ની સ્થાપના ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે.  રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાઓ અને કૉલેજમાં વિવિધ સ્પર્ધાઓ જેમ કે નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા, સેમિનાર વગેરે યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે ઑનલાઈન અથવા ઑફ લાઈન મતદાતા ક્વિઝનું આયોજન કરવામાં આવે છે.

    સંકલન : નરેન્દ્ર મણિલાલ કાલરિયા (મદદનીશ શિક્ષક, દીઘલિયા પ્રાથમિક શાળા)

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!