પરણીત મહિલા પાસે બિભીત્સ માંગણી કરતાં પરિણીતાના પતિ, મહિલા સહિત ત્રણ શખ્સોએ હત્યા કરી નાખી, પોલીસે કોલ ડિટેઇલને આધારે ભેદ ઉકેલ્યો….
મોરબીના લીલાપર રોડ ઉપર તીર્થક પેપરમિલ પાસે રહેતા અને કાગળ વીણવાનું કામ કરતા મૂળ મધ્યપ્રદેશનો વતની આધેડ થોડા દિવસો પહેલા લાપતા થતાં આ મામલે મોરબી તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોય, જેમાં કોલ ડિટેઇલને આધારે તપાસ કરતા આધેડની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવમાં પોલીસે ઉંડી તપાસ કરતા મોરબથી લાપતા બનેલા આધેડની ત્રણ શખ્સોએ વાંકાનેરના અરણીટીંબા ગામની સીમમાં હત્યા કરી લાશને ધોળકા નજીક ફેંકી દીધી હોવાનો ખુલાસો થયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર રહી કાગળ વિણવાનું કામ કરતા મધ્યપ્રદેશના વતની પરિવારના મોભી કેકડીયાભાઈ ધુપસિંહ માવી વીસેક દિવસ પૂર્વે લાપતા બનતા તેમના પુત્ર નાનકાભાઈ માવીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તેમની ગુમસુધા નોંધ કરાવી હતી. જેથી આ બનાવમાં પોલીસે ઘરથી બાઈક લઈને નીકળેલા કેકડીયાભાઈના મોબાઇલની કોલ ડિટેઇલના આધારે તપાસ કરતા લાપતા બન્યા તે દિવસે વારંવાર એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવ્યા હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી….
આ બનાવમાં મૃતક કેકડીયાભાઈએ આરોપી સુરેશભાઇ વેસ્તાભાઇ બારીયાની પત્ની મેરિબાઈ પાસે બિભીત્સ માંગણી કરી હોય, જેથી આરોપી ૧). સુરેશભાઇ વેસ્તાભાઇ બારીયા (રહે.લીયારા ગામ તા.પડધરી, મુળ રહે-બળીફાટા મધ્યપ્રદેશ), ૨). મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા (રહે.લીલાપર ગામ ખાણ વિસ્તાર, ગાયત્રી ભડીયા પાસે ઝુપડામાં મુળ-મયાવટ ગામ, મધ્યપ્રદેશ) અને ૩). સુરેશભાઇની પત્ની મેરીબાઇએ કાવતરૂ રચી મૃતક કેકડીયાભાઈને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં બોલાવી, ગળું દબાવી હત્યા કરી, વાડીના કૂવામાં મૃતકનું બાઈક નાખી દઈ મૃતકની લાશને ધોળકા નજીક ફેંકી દીધી હોવાનો ખુલાસો થયો હતો…
પોલીસે લાપતા બનેલા મૃતકની કોલ ડિટેઇલને આધારે ઊંડાણ પૂર્વકની તપાસ કરતા હત્યારા સુરેશે અન્યના આધારકાર્ડ ઉપર સીમકાર્ડ ખરીદી તે સીમકાર્ડ વડે મૃતકને ફોન કરી અરણીટીંબા બોલાવી હત્યાને અંજામ આપ્યાનું સામે આવ્યું છે, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાના આ બનાવનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી બીએનએસ કલમ 103(1), 61 અને 238 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…