Sunday, March 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતીય મજૂરોનો મોટો ધસારો : મોરબી સિરામિક કારખાનાઓ...

    વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતીય મજૂરોનો મોટો ધસારો : મોરબી સિરામિક કારખાનાઓ બંધ થતાં બેરોજગાર બનેલા શ્રમિકો વતન તરફ વળ્યા….

    વિશ્વભરમાં પ્રખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગ પર હાલ એક મોટું સંકટ આવી પડ્યું છે, જેમાં વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિના કારણે સિરામિક કારખાનાઓમાં અચાનક ગેસ સપ્લાય બંધ થતાં અનેક ઔદ્યોગિક એકમોને તાળા લાગી ગયા છે, પરિણામે, રોજીરોટી છીનવાઈ જતાં હજારો પરપ્રાંતીય શ્રમિકો રઝળી પડ્યા છે અને પોતાના વતન પરત ફરવા માટે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે….

    મોરબીનો સિરામિક ઉદ્યોગ મુખ્યત્વે નેચરલ ગેસ પર નિર્ભર છે. ટાઈલ્સ અને સિરામિક પ્રોડક્ટ્સ બનાવવા માટે ગેસ આધારિત ભઠ્ઠીઓ સતત ચાલુ રાખવી પડે છે, પરંતુ ઇરાન, અમેરિકા, ઇઝરાયેલ યુદ્ધના કારણે ગેસનો સપ્લાય ખોરવાતા-બંધ થતાં ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે કારખાનેદારોને નાછૂટકે પોતાના એકમો અચોક્કસ મુદત માટે બંધ કરવાની ફરજ પડી છે…

    આ કારખાનાઓ બંધ થતાં તેમાં કામ કરતા ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોના લાખો મજૂરો અચાનક બેરોજગાર બની ગયા છે. રોજનું કમાઈને રોજ ખાનારા આ શ્રમિકો માટે કામ વગર મોરબીમાં રહેવું, ભાડાં ચૂકવવા અને ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. ભવિષ્યની અનિશ્ચિતતાને જોતા આ શ્રમિકોએ પોતાના પરિવાર સાથે વતન પરત ફરવાનો નિર્ણય લીધો છે.

    મોરબીથી લાંબા અંતરની ટ્રેનોનો વ્યવહાર મર્યાદિત હોવાથી મોટાભાગના શ્રમિકો નજીકના વાંકાનેર રેલવે જંકશન પર પહોંચી રહ્યા છે. હાલ વાંકાનેર સ્ટેશન પર મજૂરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ટિકિટ બારીઓ પર લાંબી-લાંબી કતારો, પ્લેટફોર્મ પર અને સ્ટેશનની બહાર પોતાના સામાન અને નાના બાળકો સાથે બેઠેલા શ્રમિકોની ભીડ જોવા મળી રહી છે. અચાનક આવેલા આટલા મોટા ધસારાને કારણે રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસ પણ વ્યવસ્થા જાળવવા દોડતી થઈ ગઈ છે.

    બીજી તરફ, મોરબી સિરામિક એસોસિએશન અને સરકાર વચ્ચે ગેસ સપ્લાયના પ્રશ્ને સત્વરે યોગ્ય વ્યવસ્થા થાય તે અનિવાર્ય બની ગયું છે. અન્યથા જો ગેસ સપ્લાય સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો મોરબીના અર્થતંત્ર, નિકાસ અને સ્થાનિક રોજગારી પર તેની ખૂબ જ માઠી અને લાંબા ગાળાની અસર જોવા મળી શકે છે. હાલ તો વાંકાનેર સ્ટેશન પર પોતાના વતન જવા માટે ટ્રેનની રાહ જોતા મજૂરોના ચહેરા પર રોજગાર છીનવાયાની નિરાશા સ્પષ્ટ જોઈ શકાય છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!