નિયમાનુસાર ફોર્મ ન ભરાતા સમય મર્યાદામાં વધારો કરાયો, ખેડૂતોને સત્વરે ફોર્મ ભરવા અપિલ કરાઇ….
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 1 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોય, જેમાં અંતિમ તારીખ સુધીમાં નિયમો મુજબ ફોર્મ ન ભરાતા અને વર્તમાન ખેડૂતોની કમોસમી વરસાદથી સર્જાયેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ફોર્મ ભરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, જેથી સિંચાઈનો લાભ મેળવતા ગામોના ખેડૂતોને તાત્કાલિક ફોર્મ ભરવા માટે અપીલ કરવામાં આવી છે…

અગાઉ ફોર્મ ભરવા માટે અંતિમ તારીખ 1 નવેમ્બર નક્કી કરવામાં આવી હોય, જેમાં વર્તમાન કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની જોતા હવે આગામી તા. 12 નવેમ્બર સુધી ફોર્મ ભરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ શિયાળુ પાક માટે ખેડૂતોની માંગ મુજબ મોડેથી પાણી છોડવા નિર્ણય કરાયો છે, જેથી ખેડૂતો દ્વારા આગામી સમય મર્યાદા સુધીમાં પોતાના નિયત ફોર્મ ભરી દેવા સિંચાઈ વિભાગ દ્વારા જણાવાયું છે….



