માળીયા મિયાણા તાલુકાના જૂની ખીરઇ ગામે નામચીન દારૂના ધંધાર્થીના ઘરે દરોડો પાડવા ગયેલા પોલીસ ઇન્સ્પેકટર સહિતની ટીમ ઉપર બુટલેગરના પરિવારની સાત મહિલાઓ સહિતના 10 આરોપીઓએ હીંચકારો હુમલો કરી ખુદ પીઆઇ ઉપર છરીના ઘા ઝીકવા પ્રયાસ કરી બાદમાં છુટા પથ્થરના ઘા મારી ગાડીમાં દસ હજારનું નુકશાન કરી એક પોલીસ કર્મચારીને માથાના ભાગે ધોકો ફટકારી ફરજમાં રૂકાવટ કરતા ચોંકાવનારા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ફતેસિંહ ધીરુભા પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર ગઈકાલે માળીયા પોલીસ ટીમ આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવરના ઘેર રેઇડ કરવા ગયેલ તે વખતે આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવર તથા તેના પીતા હાજીભાઇ ઓસામાણભાઇ તથા તેનો ભાણેજ યુસુફ અલ્લારખા તથા તેના પરીવારની સ્ત્રીઓમાં સારબાઇ હાજીભાઇ મોવર, નશીમબેન અલ્લારખા સંધવાણી, મુમતાજ અનવરભાઇ ભટ્ટી, આઇસા રફીકભાઇ મોવર, નજમાબેન ઇકબાલ મોવર, અનીષા ઇકબાલભાઇ મોવર તેમજ તમન્ના યુસુફભાઇ સંધવાણીએ ગેરકાયદેસર મંડળી રચી પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી બિભત્સ ગાળો બોલી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા જીવલેણ હથીયારો વડે પોલીસ ઇન્સપેક્ટર તથા પોલીસ સ્ટાફના માણસોને જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો…
આ ઉપરાંત આરોપીએ ફરીયાદી ફતેસિંહને માથાના ભાગે ધોકાનો ઘા મારી સાહેદ વનરાજસિંહ તથા પોલીસ ઇન્સપેક્ટરને મારી નાખવાના ઇરાદે છરીનો ઘા કરવાની કોશિષ કરી મનુષ્ય વધ કરવા કોશીષ કરી છુટા પથ્થરોના ઘા કરી વાહનના આગળ પાછળના કાચ તોડી આશરે રૂ.૧૦,૦૦૦નું નુકશાન કરી આરોપી યુસુફ સફેદ કલરની ફોરચ્યુનર ગાડી લઈ નાશી ગયો હતો. બનાવ અંગે માળીયા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમ ૧૦૯(૧),૧૨૫,૧૨૧(૧),૧૨૧(૨),૧૩૨,૩૫૨,૧૧૦,૧૮૯(૩), ૧૮૯(૪),૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩(૫)૩૨૪(૨) તથા જીપી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો…
જો કે, બીજી તરફ જૂની ખીરઇ ગામની આ ઘટનામાં મહિલાઓ સહિતના લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા અને માળીયા મિયાણા પોલીસે કારણ વગર માર મારી પરિવારના પુરૂષોને ઢસડીને લઈ ગયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો…
મોરબી જિલ્લામાં બુટલેગરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે પહેલાં માત્ર આમ લોકોને જ જવાબ ન આપતા બુટલેગરો હવે પોલીસ પર પણ હુમલા કરવા લાગ્યા છે. બુટલેગરોમાં પોલીસનો કોઈ જાતનો ભય રહ્યો નથી, ત્યારે મોરબી જિલ્લામાં દારૂબંધીને નાથવામાં મોરબી જીલ્લા પોલીસ સરેઆમ નિષ્ફળ નીવળી હોઈ તેવું લાગી રહ્યું છે. મોરબીમાં કડક પોલીસ અધિકારી હોઈ તો આવા બૂટલેગરો પોલીસ પર હુમલો કરતા સો વાર વિચારે પણ જે પ્રકારે આ હુમલો થયો જે તે જોતા હવે જિલ્લામાં કડક અધિકારીની નિમણૂક માંગી રહી છે…