વાંકાનેર નગરપાલિકામાં વિપક્ષ તરીકે કોંગ્રેસ મજબૂત બનતા જ નવી બોડીમાં લોક પ્રશ્નોને વાચા આપવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાંકાનેર નગરપાલિકાની વર્તમાન બોડીમાં 28 પૈકી 14 સદસ્યો મહિલા હોય, જેમની અને અન્ય મહિલા સ્ટાફની પ્રાઈવસી અને માભો જળવાઇ રહે તે હેતુથી નગરપાલિકામાં અલગથી મહિલા રૂમની વ્યવસ્થા કરવામાં ચિફ ઓફિસર તથા નવનિયુક્ત મહિલા પ્રમુખ સમક્ષ વિપક્ષના મહિલા સદસ્ય જાગૃતિબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, કુલસુમબેન તરીયા અને જલ્પાબેન સુરેલા દ્વારા માંગ કરવામાં આવી છે…
બાબતે તેમણે પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે, સરકારી કચેરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓ માટે લેડીઝ રૂમની વ્યવસ્થા કરવીએ જરૂરી હોય છે, જેમાં મહિલાઓ માટે પીવાના પાણી, ટોઇલેટ – બાથરૂમ સહિતની સુવિદ્યાઓ ઉપલબ્ધ કરવાની હોય છે. વાંકાનેર નગરપાલિકાના ૫૦% એટલે કે ૧૪ સદસ્યો મહિલાઓ છે. તેઓ નાગરિકોના કામ માટે નગસ્પપાલિકા કચેરી ખાતે આવતા હોય છે. તેમને ઘણી વખત લાંબો સમય બેસવુ પડતું હોય છે, મહિલા તરીકે તેઓ કોઈ અધિકારી કે પદાધિકારીની ઓફિસમાં લાંબો સમય સુધી બેસી ન શકે.
ઉપરાંત વાંકાનેર નગરપાલિકામાં મહિલા સ્ટાફ પણ છે, તેમને પણ ઘણી વખત સેનેટાઇઝેશન- પ્રાઈવસીની જરૂર હોય, જેથી વાંકાનેર નગરપાલિકાના મહિલા સદસ્યો તથા મહિલા સ્ટાફની સેનેટાઇઝેશન, પ્રાઇવસી, ઈજ્જત, આબરૂ અને માભો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણા સૌની છે. વાંકાનેર નગરપાલિકાના પ્રમુખશ્રી પોતે એક મહિલા છે ત્યારે, આજે ૮ માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિપક્ષના મહિલા સદસ્યોની માંગણી છે કે, નગરપાલિકા કચેરી ખાતે લેડીઝ રૂમની ફાળવણી કરવામાં આવે…