વાંકાનેરની લુણસરીયા ફાટક ખાતેથી આજરોજ વહેલી સવારે અહીંથી પસાર થતી એક માલગાડીને રેલ્વે વિભાગ દ્વારા ક્રોસિંગ માટે ફાટક વચ્ચે જ રોકી દેવામાં આવી હોય, જેના કારણે રોજીંદા ધંધા-નોકરીએ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જે મામલે કંટાળેલા લોકોએ ફાટક પોસ્ટ ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી, જેમાં બે કલાકની જહેમત અને ઉગ્ર રજૂઆતોને અંતે માલગાડીને હટાવી ફાટક ખોલવાની ગતિવિધિ શરૂ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરની લુણસરીયા ફાટક ખાતેથી પસાર થતી એક માલગાડીને વહેલી સવારે ૭:૪૦ કલાકે ફાટક વચ્ચે જ રોકી દેવામાં આવી હોય, જે બાદ બે કલાક કરતા વધારે સમયથી ફાટક ન ખુલતા ધંધા-નોકરી પર જતા લોકો ફાટક ખાતે અટવાઈ ગયા હતા, જેનાથી કંટાળી લોકોએ ફાટક પોસ્ટ તેમજ નજીકના રેલવે સ્ટેશન ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરતા જાણવા મળ્યું હતું કે, અહીં અન્ય ટ્રેનોને ક્રોસિંગ આપવાનું હોય, જેથી ફાટક બંધ કરવામાં આવી હોય, જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે લુણસરીયા ફાટક ખાતે અવારનવાર આ સમસ્યા સર્જાતી હોય ત્યારે રેલ્વે વિભાગ દ્વારા તાત્કાલિક આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે….