વાંકાનેર વિસ્તારમાં ઘણી જગ્યાએ ખનીજચોરી ચાલતી હોય છે, ત્યારે ગઇકાલે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના લુણસર ગામની સીમમાં દરોડો પાડી સેન્ડસ્ટોન એટલે કે બેલાનું ગેરકાયદેસર ખનન કરતા એક એક્સકવેટર મશીન જપ્ત કરી, ખનીજચોરી મામલે બે શખ્સના નામ સામે આવ્યા છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે. એસ. વાઢેર દ્વારા ખનીજચોરી અટકાવવા બાબતે તપાસ હાથ ધરી કામગીરી કરવા બાબતે સૂચના આપતા કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના લુણસર ગામે ધોળાકુવા વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર સેન્ડસ્ટોનની ખનીજચોરી કરતા SANY કંપનીના એક્સકેવેટર મશીન નંબર 20SE21A0100661 ઝડપી પાડ્યું હતું….
આ મામલે પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર ખનીજચોરીમાં એક્સકેવેટર મશીન આરોપી રમેશભાઈ જાલાભાઈ ગમારા (રહે. લુણસર) અને ગોપાલભાઈ ગેલાભાઇ ધ્રાંગીયાનું હોવાનું સામે આવતા ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોન ખનીજનું ખોદકામ કરવા બદલ મશીન સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકે સોંપી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે…