સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમનાથથી દ્વારકા સુધી “ખેડૂત આક્રોશ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હોય, જે યાત્રા આજરોજ વાંકાનેર તાલુકામાંથી ભવ્ય સ્વાગત સાથે પસાર થઈ હતી, જેમાં યાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતોના પ્રશ્નો પર સરકારનું ધ્યાન દોરાવવાનો અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગણી કરવાનો છે…

આજરોજ સોમવારે આ યાત્રા વાંકાનેર વિસ્તારમાં દિઘલીયા ચોકડીથી પ્રારંભ કરી વાંકાનેર, અમરસર, તિથવા, અરણીટીંબા, પીપળીયા રાજ અને વાલાસણ તરફ આગળ વધી હતી. યાત્રા દરમિયાન ખેડૂતો અને કાર્યકરોનો ઉમળકો જોવા મળ્યો હતો. આ પ્રસંગે લડાયક કોંગ્રેસ અગ્રણી જીજ્ઞેશ મેવાણી, લાલજીભાઈ દેસાઇ, પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા, રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા, તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલીયા ઉપસ્થિત રહ્યા હતા…

વિભિન્ન સ્થળોએ યાત્રાનું ખેડૂતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નેતાઓએ ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવતાં જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની મુશ્કેલીઓ સામે આંખ આડા કાન કરી રહી છે અને તાત્કાલિક સંપૂર્ણ દેવા માફી સાથે રાહત પેકેજ જાહેર કરવાની જરૂર છે. યાત્રા દરમિયાન “ખેડૂત એકતા જિંદાબાદ”, “દેવા માફી આપો – ખેડૂતોને બચાવો” જેવા નારા ગુંજતા રહ્યાં હતા. વાંકાનેર સહિત સમગ્ર પંથકમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો, કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા….


