વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની સીમમાંથી પસાર થતી પીવાના પાણી માટે નાખવામાં આવેલ જૂથ યોજનાની પાણીની લાઈનમાંથી એક ખેડૂત દ્વારા ખેતરમાં સિંચાઈ માટે પાણીની લાઈનમાં ભંગાણ કરી ખેતી કરવામાં આવતી હોવાનું સામે આવતા બાબતે પાણીની લાઈનના કોન્ટ્રાકટર દ્વારા ખેડૂત સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પાણી ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામને પીવાનું પાણી પૂરું પાડવા માટે સરકારના પાણી પુરવઠા બોર્ડ દ્વારા જૂથ યોજના હેઠળ પાણીની લાઇન નાખવામાં આવેલ હોય, જે પાણીની પાઇપલાઈનમાં કાછીયાગાળા ગામના સર્વે નંબર 177 પૈકી 7 પૈકી 1ના વાડી માલિક અશોક પરસોતમ અણિયારિયા દ્વારા લાંબા સમયથી ભંગાણ કરી પાણી ચોરી કરવામાં આવતી હોય,
જેથી આ બાબતે પાણી પુરવઠા બોર્ડના ઈજનેર અને વાલ્વમેન દ્વારા પાઈપલાઈનના નિભાવણી કરવાનો કોન્ટ્રાકટ ધરાવતી પેઢીને જાણ કરવામાં આવતાં કોન્ટ્રાકટર તરફથી કર્મચારી રવિરાજસિંહ દોલતસિંહ બારડએ ફરિયાદી બની ખેડૂત સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા અધિનિયમ ૨૦૧૯ની કલમ ૧૦, ૧૧ તથા ૧૧૬ તેમજ ધ પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ૩ તથા આઇપીસી કલમ ૪૩૦ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…