શ્રી શ્રી ૧૦૦૮ ગુરૂદેવ શ્રી રણછોડદાસબાપુની ૩૯ મી પુણ્યતિથીની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરાયું….
વાંકાનેર નજીક આવેલ જોગજતી હનુમાનજીની ગુફા રામ ટેકરી ધમલપર-૨ ખાતે શ્રી શ્રી ૧૦૦૮ ગુરૂદેવ શ્રી રણછોડદાસબાપુની ૩૯ મી પુણ્યતિથીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર વર્ષની માફક આગામી મંગળવારે સમગ્ર ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં આવતા ૨૫,૦૦૦ થી વધારે સેવકો અને શ્રદ્ધાળુઓ માટે ૩૦૦ કિલો શુદ્ધ ઘી માંથી લાડુ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, આ સાથે જ પારંપરિક ભોજન પ્રસાદ માટે ફરજિયાત ભારતીય પરંપરા મુજબ દર્શનાર્થીઓને પંગતમાં બેસાડી સ્વયં સેવકો દ્વારા ગરમાગરમ ભોજન પીરસવામાં આવશે…
સવંત ૨૦૮૧ ફાગણ સુદ ૫ ને તા. ૪.૩.૨૦૨૫ ને મંગળવારના રોજ શ્રી શ્રી ૧૦૦૮ ગુરુદેવ શ્રી રણછોડદાસબાપુની ૩૯ મી પુણ્યતિથીની ઉજવણી પ્રસંગે જોગજતી હનુમાનજી સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં સવારે ૮ વાગ્યે મારુતિ યજ્ઞ શરૂ થશે જેમાં શ્રદ્ધાળુઓ ભાવ પૂર્વક આહુતિઓ અર્પણ કરશે જેમાં સાંજે ૪.૩૦ વાગ્યે યજ્ઞમાં બીડું હોમાશે સાથે જ યજ્ઞની પૂર્ણાહુતિ થશે. બાદમાં સાંજે ૬ વાગ્યાથી મહાપ્રસાદની શરૂઆત થશે.
પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ સ્થાનિક સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વાંકાનેર (નવાપરા)નું ભજનીક મંડળ જેમાં મગનભાઈ ઝીંઝવાડીયા તથા નામી અનામી ભજનીક, ઉસ્તાદ રાજુભાઈ ડાંગરીયા તથા કિશોરભાઈ ડાંગરીયા રજૂ કરશે, જ્યારે તા. ૪ ના રોજ રાત્રીના ૧૦ વાગ્યાથી ભજનના આરાધક દલસુખ પ્રજાપતિ , કેતન બારોટ ,ભાવેશ પટેલ સુરીલા સ્વરે સંતવાણી જમાવશે સાથે જ બેંઝા માસ્ટર પંકજ સોઢા તેમજ તબલાં વાદક એકકા ઉસ્તાદ તથા અબ્દુલ ઉસ્તાદ પોતાની કળા પીરસશે. જે સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી જોગજતી ગ્રુપના સેવકો દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે…