વાંકાનેર શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર જીનપરા જકાતનાકું અકસ્માત માટે રેડ ઝોન બની ગયું છે, જેમાં અહીં છાસવારે નાના-મોટા અનેક અકસ્માતના બનાવ સામે બની રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં અસંખ્ય નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે જ હજુ બે દિવસ પુર્વે જ અહીં એક ટ્રક બેકાબૂ બની પોલીસ ચેકપોસ્ટ ઉડાવી દીધી હોય, જે બાદ આજરોજ સાંજના વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં અજાણ્યા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતિ ખંડિત થયું હોવાની વિગતો મળી રહી છે….


આ હિટ એન્ડ રનના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઇવે પર હોટલ હરસિધ્ધિ સામે આજરોજ બુધવારે સાંજના સમયે વાંકાનેરથી નવાપરા તરફ જતા એક ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇકમાં સવાર શારદાબેન પ્રવિણભાઇ સારલા (ઉ.વ. ૪૫, રહે. વેલનાથપરા, વાંકાનેર. મુળ રહે. હસનપર) નામની મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું છે, જ્યારે બાઇક ચાલક પ્રવિણભાઇ હેમુભાઈ સારલાને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક નાસી જતાં હીટ એન્ડ રનની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાની વિગતો મળી રહી છે…..



