વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલ આંખની હોસ્પિટલ અને બંધુ સમાજ દવાખાનાનું સંચાલન કરવામાં આવી રહ્યું હોય, જેનો લાભ સમગ્ર પંથકના નાગરિકો લઇ રહ્યા છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સેવાના વિસ્તાર સાથે વધુને વધુ લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળી રહે તે માટે વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર કિરણ સિરામિક ગ્રાઉન્ડ સામે આજરોજ વિશાળ જગ્યામાં બનાવા જઇ રહેલ નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટેકનોલોજી સેન્ટરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું….
આ તકે ટ્રસ્ટને સમર્પિત લંડનથી આવેલા દાતાઓ-ડોક્ટરો તથા ટ્રસ્ટી મંડળ સહિતના મહાનુભાવો દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડી જણાવ્યું હતું કે, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સમગ્ર મોરબી જિલ્લામાં એકમાત્ર ટ્રસ્ટ છે, જે લોકોને આંખમાં મોતિયા અને ત્રાસી આંખના ઓપરેશનની વિનામૂલ્યે અને રાહત દરે સુવિધા પૂરી પડે છે. દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર દ્વારા રાહત દરે વૈદકીય સારવાર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 25 જેટલી સ્કૂલોને નવી બનાવી છે અથવા ફર્નિચર, બેન્ચીસ વગેરેની સહાય કરેલી છે. ભવિષ્યમાં આ સંસ્થાનું લક્ષ્ય ટેકનોલોજી સેન્ટર પણ બનાવવાનું છે, જેમાં વિદ્યાર્થીઓને અત્યારની અત્યાધુનિક ટેકનોલોજી સાથે સુસંગત કરાવી શકાય, જે બાદ ટ્રસ્ટના નવા પ્રોજેક્ટનું ભુમિ પુજન કરાયું હતું….