વાંકાનેર શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા એવા પ્રતાપ રોડ પર ભમરીયા કુવા નજીક બે દિવસ પુર્વે અચાનક ભૂગર્ભ ગટરના ઢાંકણા પાસે રોડ બેસી જતા મસમોટો ભુવો સર્જાયો હોય, જેના કારણે અહીંથી પસાર થતા મોટા વાહનોને તંત્ર દ્વારા બંધ કરાયા હોય, પરંતુ ખાડાની યોગ્ય પુરણ કામગીરી ન થતાં આજરોજ રવિવારે અહીંથી પસાર થતો એક ટ્રક આ ખાડામાં ફસાઈ ગયો હતો, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે….
અત્રે ઉલ્લેખનીય છે કે રોડ પર મસમોટું ગાબડું પડ્યું હોવા છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન ન દેવામાં આવતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા અહીં બુદ્ધિનું પ્રદર્શન કરી ખાડામાં વરસાદી માહોલ વચ્ચે ચીકણી માટી ઠાલવવામાં આવતા રોડ પર માટેની રેલમછેલ થઈ છે, જેના કારણે વાહનો પણ સ્લીપ થઈ રહ્યા છે. ત્યારે બેજવાબદાર તંત્ર દ્વારા અહીં તાત્કાલિકની યોગ્ય પુરાણ કામગીરી કરી વાહન વ્યવહાર પૂર્વરત કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે….